ટેલિગ્રામ બન્યુ નવું ડાર્ક વેબ, ગેરકાયદે પ્રવૃતિઓનો અડ્ડો, હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંધનામું

National News: ટેલિગ્રામ બ્લોકને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે ટેલિગ્રામ સામે કડક વલણ અપનાવતા કહ્યું છે કે આ પ્લેટફોર્મ હવે ધીમે-ધીમે નવું ડાર્ક વેબ બની રહ્યું છે, જ્યાં ગુનેગારો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની યોજના બનાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે ટેલિગ્રામની તે અરજીનો વિરોધ કર્યો છે, જેમાં કંપનીએ ભારતમાં તેના ઓપરેશન પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકાર્યો છે.
કેન્દ્રએ સોગંદનામું દાખલ કર્યું
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે શરૂઆતમાં અધિકારીઓએ સૌથી ઓછો પ્રતિબંધિત અભિગમ અપનાવ્યો હતો અને તરત જ ટેલિગ્રામને બ્લોક કર્યું ન હતો. એપને બ્લોક કરવાને બદલે, અધિકારીઓએ 3 જૂન, 2026 ના રોજ ટેલિગ્રામના પ્રતિનિધિઓને એક બેઠકમાં બોલાવ્યા હતા. બેઠક દરમિયાન સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે ટેલિગ્રામ લીક થયેલા પરીક્ષાના પેપર ફેલાવતી ચેનલોને સક્રિય રીતે ઓળખવામાં અને રોકવામાં નિષ્ફળ ગયું છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે ટેલિગ્રામે આવી સામગ્રીને સક્રિય રીતે શોધવામાં તેની મર્યાદાઓને સ્વીકારી હતી અને કહ્યું હતું કે મોડરેટરો રિપોર્ટ કરાયેલ ચેનલો પર કામ કરી રહ્યા હતા.
કેન્દ્રના જવાબી સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે ગુનેગારોએ ટેલિગ્રામનો ઉપયોગ ઝડપથી વધાર્યો છે. કેટલાક લોકો ડીપ વેબ લિંક દ્વારા ડાર્ક વેબ ફોરમ સાથે જોડાયેલી ચેનલોમાં લિંક્સ શેર કરી રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ માટે આવા લોકો સુધી પહોંચવું અને કાર્યવાહી કરવી મુશ્કેલ બની રહી છે.
NEET UG પેપર લીક બાદ લેવાયો નિર્ણય
સરકારે જણાવ્યું કે NEET UG પરીક્ષા પહેલા પેપર લીક અને સંગઠિત ચીટિંગ નેટવર્કમાં ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણોસર મે 2026માં યોજાનારી પરીક્ષા રદ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર પરીક્ષાની નિષ્પક્ષતા જાળવવા માટે ટેલિગ્રામ પર કાર્યવાહી જરૂરી બની હતી.
22 જૂન સુધી ટેલિગ્રામ પર રોક
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે IT એક્ટની કલમ 69A હેઠળ આદેશ જાહેર કરીને ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મની પહોંચને 22 જૂન સુધી બ્લોક કરી છે. આ ઉપરાંત અન્ય એક આદેશમાં ટેલિગ્રામને સૂચના આપવામાં આવી છે કે 30 જૂન સુધી અગાઉ પોસ્ટ કરવામાં આવેલા મેસેજ માટે એડિટિંગ સુવિધા બંધ રાખવામાં આવે.
સરકારનું કહેવું છે કે આ પગલું 21 જૂને યોજાનારી NEET UG રી-એક્ઝામની પારદર્શિતા અને સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. હવે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં આગળની સુનાવણીમાં નિર્ણય પર નજર રહેશે.












