નેશનલ

મુંબઈના ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ સામે પર્યાવરણવાદીઓનો આક્રોશ: 1,524 વૃક્ષો પર કુહાડી ફેરવવાની યોજના સામે વિરોધ

Goregaon Mulund Link Road Project: મુંબઈ શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે હાથ ધરાયેલા ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ માટે મોટા પાયે વૃક્ષો કાપવાના પ્રસ્તાવને પગલે પર્યાવરણીય ચિંતાઓ અને નાગરિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે કુલ 1,524 વૃક્ષોને અસર પહોંચાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં 695 વૃક્ષોને સંપૂર્ણપણે કાપી નાખવાની અને 666 વૃક્ષોનું અન્યત્ર પુનઃરોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં હરિયાળીના સફાયાના કારણે શહેરની હવાની ગુણવત્તા વધુ કથળવાની અને મુંબઈકરોના સ્વાસ્થ્ય પર તેની સીધી વિપરીત અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.

695 વૃક્ષો કપાશે અને 666 વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરાશે

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ મુંબઈના ગોરેગાંવ અને પૂર્વ મુંબઈના મુલુંડ વચ્ચે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને રોડ કનેક્ટિવિટી સુધારવાનો છે. જોકે, આ રસ્તાના નિર્માણ માટે આટલી મોટી સંખ્યામાં જૂના અને ઘટાદાર વૃક્ષો બલિદાન ચડાવવાના પ્રસ્તાવ સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પર્યાવરણવિદોના મતે, વૃક્ષો કાપવાની આ હાનિકારક અસર માત્ર વૃક્ષોના આંકડા પૂરતી સીમિત રહેશે નહીં, પરંતુ તેનાથી સમગ્ર આસપાસની બાયોડાયવર્સિટી અને પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જશે.

મુંબઈકરોના શ્વસન સ્વાસ્થ્ય પર મોટું જોખમ

મુંબઈ જેવા અતિ ગીચ વસ્તી ધરાવતા મહાનગરમાં વૃક્ષો માત્ર સુંદરતા માટે નહીં પરંતુ પ્રદૂષિત હવાને સ્વચ્છ રાખવા અને ગરમીની ગંભીર અસર (હીટ આઇલેન્ડ ઇફેક્ટ) ને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, એકસાથે 1,000 થી વધુ વૃક્ષોને હટાવવાથી શહેરનું તાપમાન વધશે અને ઝેરી પ્રદૂષણમાં વધારો થશે. જો શહેરની હવાની ગુણવત્તા વધુ નબળી પડશે, તો મુંબઈના નાગરિકોમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ અને દમાનું જોખમ ચિંતાજનક રીતે વધી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વોચડોગ ફાઉન્ડેશનની BMC ને આકરી ચીમકી

આ મુદ્દે ‘વોચડોગ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ મોરચો માંડ્યો છે અને પ્રસ્તાવિત વૃક્ષ છેદનનો સખત વિરોધ કરીને આ યોજના તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની માંગ કરી છે. ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગોડફ્રે પિમેન્ડાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના પ્રશાસન અને પર્યાવરણ વિભાગને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી છે. ફાઉન્ડેશને દલીલ કરી છે કે પર્યાવરણીય વિનાશ અટકાવવા માટે પ્રોજેક્ટના એન્જિનિયરિંગ પ્લાનમાં ફેરફાર કરીને વૈકલ્પિક માર્ગો શોધવા જોઈએ. હવે એ જોવું રહ્યું કે તંત્ર નાગરિકો અને પર્યાવરણવાદીઓની વિનંતી ધ્યાને રાખી નિર્ણય બદલશે કે પ્રોજેક્ટ આગળ ધપાવશે.

આ પણ વાંચો: વારાણસીથી દિલ્હી સુધી દોડશે વંદે ભારત સ્લીપર ટ્રેન, અહીં જાણો સમય અને રૂટ વિશે

Back to top button