છેલ્લા પાંચ વર્ષોમાં 91,370 કેસમાં રૂ. 7.08 લાખ કરોડની કરચોરી પકડાઇ

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2025: ભારતમા કરચોરી કંઇ નવી નથી. લોકો પોતાનો કર બચાવવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ જીએસટી (CGST)ના ફિલ્ડ ઓફિસરોએ છેલ્લા પાંચ વર્ષમાં 91,370 કેસોમાં 7.08 લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડી છે. નોંધનીય છે કે તેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના 1.79 લાખ કરોડ રૂપિયાની કરચોરીનો પણ સમાવેશ થાય છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જ સીજીએસટી ફિલ્ડ ઓફિસરોએ રૂ. 2.24 લાખ કરોડની કરચોરી પકડી હતી. એમ સરકારે સંસદમાં સોમવારે જણાવ્યું હતું.
2024-25માં સીજીએસટી કરચોરીના 30,056 કેસ પકડાયા
લોકસભામાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2024-25માં સીજીએસટી કરચોરીના 30,056 કેસ પકડવામાં આવ્યા હતા. તેમા 15,283થી પણ વધુ કેસ આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) ફ્રોડના હતા. આઇટીસી પેટે કરવામાં આવેલી કરચોરી રુ. 58,772 કરોડની હતી. નાણાકીય વર્ષ 2023-24માં 2.30 લાખ કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી.
2022-23માં રૂ. 1.32 લાખ કરોડની જીએસટી કરચોરી
જેમાં આઇટીસી ફ્રોડ રૂ. 36,374 કરોડના હતા. 2022-23માં રૂ. 1.32 લાખ કરોડની જીએસટી કરચોરી પકડાઈ હતી. તેમાં આઇટીસી ફ્રોડ 24,140 કરોડના હતા. આ ઉપરાંત 2021-22માં જીએસટી કરચોરી રૂ. 73,238 કરોડની હતી અને તેમાં આઇટીસી ફ્રોડ રૂ. 28,022 કરોડ હતો. જ્યારે 2020-21માં કરચોરી રૂ. 49,384 કરોડની હતી અને આઇટીસી ફ્રોડ રૂ. 31,233 કરોડનું હતું.
કરચોરી ડામવા વિવિધ પ્રકારના પગલાં
ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જીએસટીએને કરચોરી ડામવા વિવિધ પ્રકારના પગલાં લીધા છે. તેમા ઇ-ઇનવોઇસિંગ, જીએસટી એનાલિટિક્સ દ્વારા ડિજિટાઇઝેશન, સિસ્ટમ દ્વારા નાણાકીય વ્યવહારોમાં દર્શાવવામાં આવતા અસંતુલન, રિટર્નના સ્ક્રુટિની અને જોખમના વિવિધ માપદંડોના આધારે કરદાતાના ઓડિટનો સમાવેશ થાય છે. આ બધા પગલાંએ જીએસટી ચોરી પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર આ વર્ષે 97 વર્ષ બાદ બન્યો એવો યોગ, 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહ સંયોગ












