ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

‘પાકિસ્તાનની એક પેઢી બરબાદ થઈ જશે…’ કપિલ દેવે વર્લ્ડ કપ વિવાદ પર નકવીને લગાવી ફટકાર

નવી દિલ્હી: 3 ફેબ્રુઆરી, 2026: ક્રિકેટ જગતની સૌથી મોટી હરીફાઈ ગણાતા ભારત-પાકિસ્તાન જંગ પર જોખમના વાદળો ઘેરાયા છે. આગામી 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાનારી T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાની સરકારે પોતાની ટીમને મેદાનમાં ઉતારવાની ના પાડી દીધી છે. મેદાન પરના એક્શન પહેલા જ ઓફ-ફિલ્ડ રાજકારણે માહોલ ગરમાવી દીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

પાકિસ્તાન સરકારે રવિવારે સ્પષ્ટતા કરી છે કે તેમની ટીમ T20 વર્લ્ડ કપમાં ભાગ તો લેશે, પરંતુ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરશે. નોંધનીય છે કે આઈસીસી (ICC) એ બાંગ્લાદેશની એ માંગને ફગાવી દીધી હતી જેમાં ભારતની મેચો બહાર શિફ્ટ કરવાની વાત હતી, ત્યારબાદ પાકિસ્તાને આ આકરો નિર્ણય લીધો છે.

કપિલ દેવની તીખી પ્રતિક્રિયા

ભારતના પૂર્વ સુકાની અને 1983 વર્લ્ડ કપના હીરો કપિલ દેવ પાકિસ્તાનના આ વલણ પર લાલઘૂમ થયા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ નિર્ણય ભારત કરતા પાકિસ્તાનના ભવિષ્યને વધુ નુકસાન પહોંચાડશે. જો આ નિર્ણય બોર્ડ દ્વારા થોપવામાં આવ્યો હોય, તો તે દેશની શાખ ઘટાડે છે. તમે વારંવાર બહિષ્કાર કરીને ક્રિકેટની આખી પેઢીને બરબાદ કરી રહ્યા છો. પાકિસ્તાન ક્રિકેટ જગતમાં અલગ-થલગ પડી જશે.”

ICC માટે મુશ્કેલ સ્થિતિ

ભારત-પાકિસ્તાન મેચ એ આઈસીસી માટે કમાણીનું મુખ્ય સાધન છે. બ્રોડકાસ્ટિંગ રેવન્યુનો મોટો હિસ્સો આ એક મેચ પર ટકેલો હોય છે. પાકિસ્તાનના આ બહિષ્કારના નિર્ણયથી આઈસીસી હવે કફોડી સ્થિતિમાં મુકાયું છે.

આ પણ વાંચોઃ શાંતિ વાટાઘાટો પહેલા જ રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, 450 ડ્રોન અને 70 મિસાઈલો ઝિંકી

આ પણ વાંચોઃ ટ્રમ્પે ચલાવ્યું જુઠ્ઠાણું, ભારતે ઓઈલ નહીં ખરીદવાની વાત નથી કરીઃ રશિયાનો દાવો

Back to top button