ટ્રમ્પે ચલાવ્યું જુઠ્ઠાણું, ભારતે ઓઈલ નહીં ખરીદવાની વાત નથી કરીઃ રશિયાનો દાવો

- ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે
HD ન્યુઝ ડેસ્કઃ મહિનાઓ સુધી વાટાઘાટો બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકાએ ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે. આ મામલે હવે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે.
ભારત અમારી પાસેથી ઓઈલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું: રશિયા
મંગળવારે રશિયાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલય ક્રેમલિન દ્વારા ઓઈલ મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી આપી નથી કે હવે તેઓ રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે.
ટ્રમ્પે કહ્યું, ભારત રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે
ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી હતી, ત્યારબાદ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે 2 એવી જાહેરાત કરી છે જેને લઈને ચિંતા વધી હતી. આ મામલે ભારત સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયા પાસેછી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદદ મળશે. આ સિવાય તેમણે બીજો એક દાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકાની 500 અબજ ડોલરની વસ્તુઓ ભારતમાં વેચાશે.
જોકે PM મોદીના નિવેદનમાં ક્યાંય રશિયાના ઓઇલ કે કૃષિ પ્રોડક્ટ્સના ઉલ્લેખ નહીં
ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પની સાથે વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. જોકે તેમણે તેમના નિવેદનમાં ક્યાંય ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે તેવી કોઈ પુષ્ટિ કરી નથી. કૃષિ પ્રોડક્ટ્સને લઈને પણ તેમણે કોઈ પુષ્ટિ નથી કરી.
આ પણ વાંચોઃ India-US Trade Deal: તેલ અને વિમાન ઉપરાંત અમેરિકા પાસેથી ભારત બીજું શું શું ખરીદશે?












