GMCનો ઐતિહાસિક નિર્ણય: ગુજરાતના 3 જાણીતા સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો 13 મહિના માટે સસ્પેન્ડ

ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા મેડિકલ જગતમાં ભારે ખળભળાટ મચાવતો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ એથિક્સ (તબીબી આચારસંહિતા) ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ રાજ્યના ત્રણ જાણીતા ચામડીના રોગના નિષ્ણાત (ડર્મેટોલોજિસ્ટ) ડૉક્ટરો સામે લાલઆંખ કરવામાં આવી છે. કાઉન્સિલે આ ત્રણેય ડૉક્ટરોને આગામી 13 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે અને આ સમયગાળા દરમિયાન તેમનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટરોમાં સુરતના બે અને અમદાવાદના એક ડોક્ટરનો સમાવેશ થાય છે.
આ જાણીતા ડૉક્ટરો સામે લેવાયા કડક પગલાં
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જે ત્રણ તબીબો સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં મેડિકલ ક્ષેત્રના જાણીતા ચહેરાઓ સામેલ છે:
- ડૉ. જગદીશકુમાર સખિયા (જાણીતા ડર્મેટોલોજિસ્ટ, સખિયા સ્કીન ક્લિનિક – સુરત)
- ડૉ. અમી શાહ (સ્કિન સ્પેશિયાલિસ્ટ, સુરત)
- ડૉ. ગીતા પટેલ (સ્કિન સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ)
કાઉન્સિલે આ ત્રણેય ડૉક્ટરો સામે લાગેલા આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ આકરો નિર્ણય લીધો છે.
શું છે સમગ્ર મામલો? કેમ થઈ આકરી કાર્યવાહી?
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર વિવાદ વિદેશ પ્રવાસના ફંડિંગ (સ્પોન્સરશિપ) સાથે જોડાયેલો છે. આ ત્રણેય તબીબો વર્ષ 2014 અને 2024 દરમિયાન ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગયા હતા. જોકે, આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમની એર ટિકિટ, લક્ઝુરિયસ હોટેલમાં રહેવાનો તેમજ મોંઘા ભોજન સહિતનો તમામ આર્થિક ખર્ચ ‘એબ્બી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ (AbbVie Healthcare) નામની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ અને બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો.
નિયમો શું કહે છે? ફાર્મા કંપનીઓની મહેમાનગતિ સ્વીકારવા પર પ્રતિબંધ
ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કડક નિયમો અનુસાર, કોઈપણ રજિસ્ટર્ડ ડોક્ટર ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસ કે બાયોટેક કંપનીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ, મોંઘી ભેટ-સોગાદો, આર્થિક લાભ કે વિદેશ પ્રવાસની ટિકિટો સ્વીકારી શકે નહીં.
મેડિકલ કાઉન્સિલના રેગ્યુલેશન મુજબ: ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને આવી લક્ઝુરિયસ સુવિધાઓ આપીને પોતાની પ્રોડક્ટ્સ અને દવાઓ પ્રમોટ કરાવવાનો ખેલ ચાલતો હોય છે. કાઉન્સિલ આ પ્રવૃત્તિને ગંભીર ગેરરીતિ અને વ્યાવસાયિક આચારસંહિતા (Paragraph 6.8 of Indian Medical Council Regulations 2002) નો ભંગ ગણે છે. આ કેસમાં પણ નિયમોનો સ્પષ્ટ ભંગ થતાં કાઉન્સિલે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
13 મહિના સુધી પ્રેક્ટિસ પર સંપૂર્ણ પ્રતિબંધ, ક્લિનિક પરથી બોર્ડ પણ હટાવવા પડશે
- GMCના આ આકરા આદેશને પગલે હવે આગામી 13મહિના સુધી ડૉ. જગદીશ સખિયા, ડૉ. અમી શાહ અને ડૉ. ગીતા પટેલ દેશમાં ક્યાંય પણ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં.
- તેઓ પોતાના ક્લિનિક કે હોસ્પિટલ પર ડોક્ટર તરીકેનું બોર્ડ લગાવી શકશે નહીં.
- તબીબી વ્યવસાય સંબંધિત કોઈ પણ કાનૂની અધિકારનો દાવો કરી શકશે નહીં.
જોકે, સસ્પેન્શનનો આ 13 મહિનાનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ, તેઓ નિયમો અનુસાર કાઉન્સિલ સમક્ષ પુનઃ રજિસ્ટ્રેશન કરાવીને પોતાની મેડિકલ પ્રેક્ટિસ ફરી શરૂ કરી શકશે. કાઉન્સિલની આ મોટી કાર્યવાહીથી દર્દીઓના ભોગે ફાર્મા કંપનીઓની મહેમાનગતિ માણતા અન્ય તબીબોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
9 રાજ્યોના 30 ડૉક્ટરો સામે તપાસનો રેલો
દેશના 9 રાજ્યોમાંથી અંદાજે 30 જેટલા હેલ્થકેર પ્રોફેશનલ્સ આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફ્રાન્સના પેરિસ ગયા હતા. આરોપ છે કે, આ વિદેશ પ્રવાસમાં પ્રતિ સહભાગી 1 લાખ રૂપિયાથી વધુનો પ્રવાસ અને આતિથ્યનો લાભ બાયોટેક કંપની દ્વારા આપવામાં આવ્યો હતો. નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ આકરી તપાસ હાથ ધરાઈ હતી.
પગલાંનો સામનો કરી રહેલા ડોક્ટરોમાં સુરતના ડૉ. જગદીશકુમાર સખિયા ચામડીના રોગોના ડૉક્ટરોના સંગઠન આઈએડીવીએલ (IADVL) ગુજરાત ચેપ્ટરના પ્રમુખ છે અને આગામી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ડર્માકોન 2027’ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી પણ છે. તેઓ અમદાવાદ, સુરત, પાલનપુર અને દુબઈમાં સ્કિન ક્લિનિક્સની મોટી ચેઈન ચલાવે છે.
ડૉક્ટરો ઈચ્છે તો NMC સમક્ષ અપીલ કરી શકે છે
ગુજરાત મેડિકલ કાઉન્સિલે અગાઉ આ ડૉક્ટરોને કારણદર્શક નોટિસ આપીને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપ્યો હતો. પરંતુ આખરે 30 જૂનના રોજ મળેલી કાઉન્સિલની જનરલ બોડી અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં આ કડક નિર્ણય લેવાયો છે. જોકે, કાયદાકીય જોગવાઈ મુજબ આ ડૉક્ટરો ઈચ્છે તો ગુજરાત મેડિકલ કાઉન્સિલના આ નિર્ણય વિરુદ્ધ કેન્દ્રીય સંસ્થા નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ અપીલ કરી શકે છે.
આ પણ વાંચોઃ જમ્યા પછી કેટલા સમયે સુગર ચેક કરવી જોઈએ? લોકો કઈ ભૂલ કરે છે? જાણો નિષ્ણાત શું કહે છે
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












