અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓમાં દોડધામ, પોલીસ કાફલો દોડી ગયો

Ahmedabad School Bomb Threat: અમદાવાદમાં ફરી એકવાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મળેલી માહિતી મુજબ, શહેરની ચાર શાળાઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે શાળા સંચાલકો અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.
સેટેલાઇટ અને ચાંદખેડાની સ્કૂલોને ધમકી
મળતી માહિતી અનુસાર, સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ અને ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
ધમકીની જાણ થતાં જ સંબંધિત શાળાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી હતી અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા વાલીઓ
ધમકીના સમાચાર સામે આવતાં જ વાલીઓમાં ચિંતા વધી હતી. અનેક વાલીઓ પોતાનાં બાળકોને ઘરે લઈ જવા માટે શાળાએ પહોંચ્યા હોવાની માહિતી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ
ધમકીને પગલે શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલમાં તપાસ પૂર્ણ થઈ છે કે નહીં અને શાળાઓમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ મળ્યા બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: આગામી 36 કલાક ‘ભારે’! અર્નબ વાવાઝોડાના કારણે હજારો લોકોનું સ્થળાંતર, ટ્રેનો રદ-શાળાઓમાં રજા











