મનોરંજન

ભૂલો સ્વીકારી ઘરે પરત ફર્યો ફૈઝલ ખાન: ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને કહ્યું- ‘ગુસ્સામાં જાહેરમાં બોલવું મારી મોટી ભૂલ હતી’

Faissal Khan Apologise To Aamir And Family: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના પરિવાર અને તેના ભાઈ ફૈઝલ ખાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ આખરે સૌહાર્દપૂર્ણ રીતે શાંત પડ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ફૈઝલ ખાને પોતાના પરિવાર પર અનેક ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તે સમયે ભારે ગુસ્સામાં આવીને તેણે આમિર ખાન સહિત પરિવારના તમામ સભ્યો સાથેના પોતાના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા હતા. જો કે, હવે આ વિવાદના આશરે 1 વર્ષ બાદ ફૈઝલ ખાનને પોતાની મોટી ભૂલ સમજાઈ છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો છે કે તેણે પોતાની માતા ઝીનત તાહિર હુસૈન, મોટી બહેન નિખત હેગડે, સંતોષ હેગડે અને ભાઈ આમિર ખાનની જાહેરમાં માફી માંગી લીધી છે. ફૈઝલે જણાવ્યું કે પવિત્ર કુરાનની એક આયત વાંચતી વખતે તેને પારિવારિક સંબંધોનું અસલી મહત્વ સમજાયું હતું.

‘ગુસ્સામાં જાહેરમાં નિવેદનો આપ્યા તે મારી મોટી ભૂલ’

પોતાના દિલનો પસ્તાવો વ્યક્ત કરતા ફૈઝલ ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું, “હું મારા પરિવાર અને ખાસ કરીને મારી વ્હાલી માતાને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે હું તેમની હૃદયપૂર્વક માફી માંગુ છું. મેં ભૂતકાળમાં મારી અંગત લાગણીઓ અને પારિવારિક પ્રશ્નોને સોશિયલ મીડિયા કે મીડિયા સમક્ષ જાહેરમાં વ્યક્ત કરીને બહુ મોટી ભૂલ કરી છે, જેને હું ખુલ્લા મને સ્વીકારું છું. જ્યારે કોઈ વ્યક્તિ ભારે ગુસ્સામાં હોય છે, ત્યારે તે ભાન ભૂલીને ઘણું બધું બોલી નાખે છે. મેં મારી બહેન નિખત અને તેના પતિ સંતોષ હેગડે વિશે પણ જે વાતો કહી હતી, તે મારે બિલકુલ કહેવી જોઈતી નહોતી. તે અત્યંત ખોટું અને આઘાતજનક હતું. આથી હું નિખત, સંતોષ અને ભાઈ આમિરની માફી માંગુ છું.” તેણે ઉમેર્યું કે હવે તે પરિવાર સાથે મળીને સુખ-શાંતિથી આગળ વધવા માંગે છે જેથી તેમનો આ પવિત્ર સંબંધ ભવિષ્યમાં વધુ મજબૂત બને.

માનસિક સ્વાસ્થ્ય અને કોર્ટ કેસના વિવાદ પર મોટો ખુલાસો

પોતાના માનસિક સ્વાસ્થ્ય અંગે વર્ષોથી ચાલી આવતી ચર્ચાઓ પર પણ ફૈઝલ ખાને ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે એક સમયે જ્યારે તેનો પરિવાર તેને ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયો હતો, ત્યારે તે ડૉક્ટરો દ્વારા તેનું નિદાન (Diagnosis) તદ્દન ખોટું કરવામાં આવ્યું હતું. ફૈઝલે કહ્યું, “ત્યારબાદ આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે મને સત્તાવાર તપાસ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો, જ્યાં તબીબોની પેનલ દ્વારા મને સંપૂર્ણપણે ક્લીનચીટ આપવામાં આવી હતી અને હું એ કાનૂની કેસ જીતી ગયો હતો.” ફૈઝલના મતે, કદાચ પ્રાઇવેટ ડોક્ટરોએ તેના પરિવારને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોર્યો હોઈ શકે છે અને પરિવારે સીધો ડૉક્ટરો પર વિશ્વાસ કરી લીધો હતો. તેણે ઈચ્છા વ્યક્ત કરી કે હવે તેનો પરિવાર ભૂતકાળના કડવા અનુભવોને ભૂલીને તેના પર પૂરો ભરોસો રાખે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પવિત્ર કુરાનની આયતે ફૈઝલ ખાનનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો

ઇન્ટરવ્યુ દરમિયાન ફૈઝલે શેર કર્યું કે પવિત્ર કુરાનની એક આયતે તેના જીવન જીવવાનો અને પરિવારને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. તેણે સમજાવ્યું, “હું છેલ્લા થોડા વર્ષોથી કુરાનનો ઊંડો અભ્યાસ કરી રહ્યો છું. હું પહેલા મારા પોતાના ધર્મ વિશે બધું જ અદ્ભુત રીતે જાણવા માંગુ છું. મેં જ્ઞાન મેળવવા માટે ભગવદ ગીતા જેવા અન્ય ધર્મોના પવિત્ર પુસ્તકો પણ ખરીદ્યા છે. એક દિવસ કુરાન વાંચતી વખતે મેં એક શ્લોક (આયત) વાંચ્યો, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે ‘તમારે કોઈપણ સંજોગોમાં તમારા પરિવારના સભ્યો સાથેના લોહીના સંબંધો તોડવા જોઈએ નહીં.’ આ પંક્તિ વાંચતા જ હું સ્તબ્ધ થઈ ગયો અને મને પસ્તાવો થયો કે મેં મારા જ પરિવાર સાથે સંબંધો તોડી નાખ્યા છે.”

બહેનનો એક ફોન અને માતાને મળવા ફૈઝલે તાત્કાલિક ફ્લાઇટ પકડી

આ આયત વાંચ્યા પછી ગંભીર બનેલા ફૈઝલે સંબંધો સુધારવાની પહેલ કરી અને પોતાની મોટી બહેન નિખતને ફોન જોડ્યો. નિખતે પણ ભૂતકાળનો દ્વેષ રાખ્યા વિના તરત જ ભાઈનો ફોન ઉપાડ્યો હતો. નિખતે ફૈઝલને જણાવ્યું કે તેમની માતાની તબિયત હાલમાં બિલકુલ સારી નથી રહેતી અને તે સતત ફૈઝલને યાદ કરીને તેના વિશે પૂછતી રહે છે. માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર સાંભળીને ફૈઝલ ફોન પર જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. તે પોતાની લાગણીઓ પર કાબૂ ન રાખી શક્યો અને માતાને રૂબરૂ મળવા માટે બીજા જ દિવસે ફ્લાઇટ પકડીને મુંબઈ આવી પહોંચ્યો હતો. મુંબઈ આવ્યા બાદ તેણે પોતાની માતાની ગોદમાં માથું મૂકીને માફી માંગી, અને પછી બહેન નિખત, સાળા સંતોષ અને આમિર ખાન પાસે જઈને પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ખાને જણાવ્યું કે લાંબા સમયના વનવાસ પછી ઘરે પરત ફરેલા ભાઈનું પરિવારના તમામ સભ્યોએ ખુલ્લા દિલથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: 39 વર્ષની ઉંમરે મા બનશે સમંથા રૂથ પ્રભુ, બેબી બંપ ફ્લોન્ટ કરી શેર કરી ખાસ પોસ્ટ

Back to top button