આગામી 36 કલાક ‘ભારે’! અર્નબ વાવાઝોડાના કારણે હજારો લોકોનું સ્થળાંતર, ટ્રેનો રદ-શાળાઓમાં રજા

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ વધુ પ્રચંડ બનતાં ભારતના પૂર્વીય દરિયાકાંઠે જોખમ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આ ચક્રવાત 28 ઓક્ટોબર, બુધવારે સવારે આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા તથા વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકી શકે છે. લેન્ડફોલ સમયે પવનની સતત ઝડપ 115થી 125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની, જ્યારે પવનના ઝાપટા 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ભારે વરસાદ, પૂર અને જનજીવન ખોરવાવાની આશંકાને પગલે વહીવટી તંત્રએ સાવચેતીનાં પગલાં તેજ કર્યા છે.
બંગાળની ખાડીમાં વાવાઝોડું વધુ શક્તિશાળી બન્યું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ક્રમશઃ ચક્રવાતમાં ફેરવાયું હતું. ત્યારબાદ તેની તીવ્રતા વધતાં તે અત્યંત પ્રચંડ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે. 26 ઓક્ટોબરના હવામાન બુલેટિનમાં વાવાઝોડું વિશાખાપટ્ટનમથી આશરે 350 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હોવાનું જણાવાયું હતું.
ચક્રવાત દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી તેની દિશા, પવનની ઝડપ અને વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેની અસર આંધ્રપ્રદેશ ઉપરાંત ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.
સ્થળાંતર અને રાહત કામગીરી તેજ
ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી છે. NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે, જ્યારે જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ સક્રિય કરીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આંધ્રપ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા સહિતનાં સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. કેટલીક ટ્રેનોના સંચાલન પર પણ અસર પડી શકે છે. માછીમારોને દરિયામાં ન જવા અને દરિયામાં ગયેલી નૌકાઓને સુરક્ષિત રીતે પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ અને પૂરનું જોખમ
ચક્રવાતના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવું, નદીઓના જળસ્તરમાં વધારો થવો અને માર્ગ-રેલ વ્યવહાર ખોરવાવાનું જોખમ છે. દરિયામાં ઊંચાં મોજાં અને તેજ પવનને કારણે માછીમારી તથા દરિયાઈ પ્રવૃત્તિઓ પણ જોખમમાં મુકાઈ શકે છે.
સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોએ જરૂર પડે તો સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસી જવાની તૈયારી રાખવી જરૂરી છે.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, ઓડિશા અને યાનમના દરિયાકાંઠે માછીમારોને 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીઓમાં ફેરફાર થઈ શકે છે, તેથી નાગરિકોએ તાજા બુલેટિન અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓ પર નજર રાખવી જોઈએ.
આ પણ વાંચો: પંજાબમાં AAPનાં સરપંચના દીકરાની ધોળા દિવસે ગોળી મારી હત્યા! ગુરુદ્વારામાં માથું ટેકવા ગયો હતો, મિત્ર પણ ઘાયલ











