ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘સુપ્રીમ કોર્ટે જે દરવાજો બંધ કર્યો, તેને…’ સાગર ધનખડ કેસમાં સુશીલ કુમારને મોટો ઝટકો

Sushil Kumar Case: ઓલિમ્પિયન પહેલવાન સુશીલ કુમારને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ હત્યાકાંડ મામલે દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે પૂર્વ જૂનિયર નેશનલ રેસલિંગ ચેમ્પિયન સાગર ધનખડની હત્યાના કેસમાં સુશીલ કુમારની નિયમિત જામીન અરજી (Regular Bail) ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પુરુષૈન્દ્ર કુમારે આ ચુકાદો સંભળાવતા ગુનાની ગંભીરતા, સાક્ષીઓને પ્રભાવિત કરવાની આશંકા, ધરપકડ પહેલાંનું વર્તન અને સુપ્રીમ કોર્ટની અગાઉની આકરી ટિપ્પણીઓને મુખ્ય આધાર માન્યા છે.

ગુનાની ગંભીરતા અને સાક્ષીઓને ધમકાવવાની આશંકા મુખ્ય કારણ

દિલ્હી હાઈકોર્ટે સુશીલ કુમારને જામીન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરતા જણાવ્યું કે, આ મામલે કથિત હુમલો પૂર્વ આયોજિત અને અત્યંત ગંભીર હતો, જેના પરિણામે નિર્દોષ સાગર ધનખડનું મોત નીપજ્યું હતું. કોર્ટે નોંધ્યું કે કેસમાં ઘાતક હથિયારોની રિકવરી, વિડીયો પુરાવા અને મોટી માત્રામાં અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે, જેની ટ્રાયલ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ થવાની બાકી છે.

‘જામીન નિયમ છે, જેલ અપવાદ’ પરંતુ આ કેસ અલગ: હાઈકોર્ટ

ચુકાદો આપતી વખતે દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે સામાન્ય રીતે ‘જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે’, પરંતુ હાલના કેસની પરિસ્થિતિઓ તદ્દન અલગ છે. અદાલતે આ વારદાતને ‘પૂર્વ આયોજિત અને અતિ ક્રૂર હુમલો’ ગણાવ્યો હતો.
આ ઉપરાંત કોર્ટે એ બાબત પણ ધ્યાનમાં લીધી કે આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે પણ સાક્ષીઓ પર સુશીલ કુમારના પ્રભાવ અને દબદબાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતના જણાવ્યા મુજબ, આરોપીની સામાજિક પહોંચ અને વજનદાર કદ-કાઠીને જોતાં ટ્રાયલની પ્રક્રિયા પ્રભાવિત થવાની આશંકાને નકારી શકાય તેમ નથી.

સુશીલ કુમાર તરફથી શું દલીલો કરવામાં આવી?

કોર્ટમાં જામીન મેળવવા માટે સુશીલ કુમારના વકીલોએ દલીલ કરી હતી કે હવે સંજોગો બદલાયા છે. બચાવ પક્ષે રજૂઆત કરી કે મૃતક સાગર ધનખડના પિતા અશોક ધનખડ, જેમની ફરિયાદના આધારે અગાઉ જામીન રદ થયા હતા, તેઓ હવે ટ્રાયલ કોર્ટમાં પ્રોસિક્યુશન (સરકારી પક્ષ) ની કહાનીનું સમર્થન કરી રહ્યા નથી.
બચાવ પક્ષે વધુમાં ઉમેર્યું કે, સુશીલ કુમાર છેલ્લા ૫ વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને હવે કેસમાં માત્ર ઔપચારિક અને સરકારી સાક્ષીઓની જુબાની જ બાકી રહી છે, તેથી તેમને નિયમિત જામીન મળવા જોઈએ. જોકે, દિલ્હી પોલીસ અને સાગર ધનખડના પિતાના વકીલે આ જામીન અરજીનો આકરો વિરોધ કર્યો હતો.

સાક્ષીના નિવેદનને કોર્ટે ટ્રાયલનો વિષય ગણાવ્યો

હાઈકોર્ટે આ દલીલો ફગાવતા સ્પષ્ટ કર્યું કે સાગર ધનખડના પિતાની જુબાની પ્રોસિક્યુશનની વિરુદ્ધ છે કે નહીં, તે વિવાદિત બાબત છે. કોઈપણ સાક્ષીનું નિવેદન આખરે કેસની તરફેણમાં છે કે વિરુદ્ધમાં, તેનો નિર્ણય ટ્રાયલ કોર્ટ તમામ પુરાવાઓની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ કરશે.
હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, આ બાબતને એવા ‘બદલાયેલા સંજોગો’ ન માની શકાય જેના આધારે સુપ્રીમ કોર્ટે અગાઉ બંધ કરી દીધેલો જામીનનો દરવાજો ફરીથી ખોલી શકાય. સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતી વખતે સ્પષ્ટ માન્યું હતું કે સમાજમાં સુશીલ કુમારનો ભારે પ્રભાવ છે અને જ્યારે પણ તેમને કામચલાઉ મુક્તિ મળી છે, ત્યારે સાક્ષીઓ ફરી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

ઓગસ્ટ 2025માં સુપ્રીમ કોર્ટે રદ કર્યા હતા જામીન

આ ચર્ચિત હત્યાકાંડની સમયરેખા પર નજર કરીએ તો:
  • મે 2021: દિલ્હી પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરી હતી.
  • જુલાઈ 2023: સેશન્સ કોર્ટે ઘૂંટણની સર્જરી માટે તેમને એક અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા.
  • ઓક્ટોબર 2022: ટ્રાયલ કોર્ટે સુશીલ કુમાર સહિતના આરોપીઓ સામે IPC ની હત્યા, ગુનાહિત કાવતરું, ધમકી અને હથિયાર સાથે રમખાણ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ આરોપો નક્કી કર્યા હતા.
  • માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે સુશીલ કુમારને શરતી જામીન આપ્યા હતા.
  • 13 ઓગસ્ટ 2025: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને પલટી નાખીને સુશીલ કુમારના જામીન રદ કરી દીધા હતા અને સાક્ષીઓ પર તેમના દબદબાને કારણે ટ્રાયલમાં વિલંબની આશંકા વ્યક્ત કરી હતી.
  • 6 ફેબ્રુઆરી: ટ્રાયલ કોર્ટે પણ તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

શું બની હતી છત્રસાલ સ્ટેડિયમમાં ઘટના?

આ સમગ્ર મામલો મે ૨૦૨૧નો છે. પ્રોસિક્યુશનના ચાર્જશીટ મુજબ, જૂનિયર પહેલવાન સાગર ધનખડનું કથિત રીતે અપહરણ કરીને તેને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં સુશીલ કુમાર અને તેના સાથીઓએ સાગર ધનખડ પર બેઝબોલ સ્ટીક અને હોકી સ્ટીક વડે અત્યંત દર્દનાક અને ક્રૂર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાગરનું પાછળથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
હવે દિલ્હી હાઈકોર્ટે ફરી એકવાર નિયમિત જામીન આપવાનો ઈનકાર કરી દેતાં ઓલિમ્પિયન પહેલવાન સુશીલ કુમારે જેલમાં જ રહેવું પડશે.
Back to top button