વઢવાણના નગરા ગામમાં મોટી દુર્ઘટના, નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના મોત

સુરેન્દ્રનગર: જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા મૂળ રાજસ્થાનના ચાર યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. સ્થાનિક સોલર પ્લાન્ટમાં કામ કરતા આ પાંચ મિત્રો મોરબીથી નગરા ખાતે નહાવા આવ્યા હતા અને ત્યાંથી સોમનાથ દર્શન કરવા જવાના હતા. પરંતુ નદીમાં નાહતાં નાહતાં ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
જોરાવરનગરના ઇન્ચાર્જ પીએસઆઈ એમ. આર. ગોહિલે જણાવ્યું કે, પાંચ મિત્રોમાંથી એક યુવક નદીની પાળે બેસીને નહાતો હતો, જ્યારે અન્ય ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કિનારે રહેલા યુવકે બૂમાબૂમ કરતા જ સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ નદીમાં ઝંપલાવીને શોધખોળ હાથ ધરી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
જોરાવરનગર પોલીસે ચારેય મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ મોકલી આપ્યા છે. નાહ્યા બાદ સોમનાથ દર્શને જવાનું આયોજન કરતા આ યુવકો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી પરિવારજનો અને મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
આ ઘટના નદીમાં નહાવા જતી વખતે સાવચેતી ન રાખવાનું પરિણામ છે. સ્થાનિકો અને પોલીસે લોકોને નદી કે તળાવમાં નહાવા જતી વખતે ઊંડા પાણીમાં ન ઉતરવાની અને સાથે સાથીને સાથે રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: પહેલા ગાડીઓમાં તોડફોડ કરી પછી સ્કોર્પિયોએ મહિલાને કચડી નાખી












