સુરતના ઉધનામાં 100 ફૂટ ઊંચી નિર્માણાધીન પાણીની ટાંકી પર યુવક ચડ્યો: ફાયરબ્રિગેડે 1 કલાકમાં સફળ રેસ્ક્યૂ કર્યું

Surat Udhna High Voltage Drama: સુરતના ઉધના વિસ્તારમાં આજે એક હાઈડ્રામા સામે આવ્યો, જ્યાં 100 ફૂટ ઊંચી નિર્માણાધીન પાણીની ટાંકી પર એક યુવક ચડી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા બનાવવામાં આવી રહેલી આ ટાંકીના બાંધકામ માટે લગાવવામાં આવેલી પાલખના માધ્યમથી યુવક કલાક સુધી ઉપર જઈને બેસી રહ્યો હતો. સ્થાનિક લોકોને આ દ્રશ્ય જોઈને ‘શોલે’ ફિલ્મની યાદ આવી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને હેવી વ્હિકલ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનતે યુવકને નીચે ઉતાર્યો હતો.
લોકોની નજર સામે 100 ફૂટ ઊંચી ટાંકી પર ચડી ગયો
ઉધના વિસ્તારમાં નવી બની રહેલી પાણીની ટાંકી પર કન્સ્ટ્રક્શન માટે પાલખ બનાવવામાં આવી છે. આ પાલખની મદદથી એક યુવક લોકોની નજર સામે જ ઉપર ચડી ગયો હતો. નીચે હાજર લોકોએ તેને નીચે ઉતરી જવા માટે સતત સમજાવ્યો, પરંતુ તે માન્યો નહોતો અને 100 ફૂટ ઊંચાઈએ જઈને બેસી ગયો હતો. તે ટાંકીની ઉપર ગોળ-ગોળ ફરી રહ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સતર્કતા સાથે ફાયરબ્રિગેડનું હાઇડ્રોલિક રેસ્ક્યૂ ઓપરેશન
ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, યુવક અસ્થિર મગજનો જણાતો હતો. ઘટનાની જાણ થતાં જ ઉધના ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો યુવક અચાનક નીચે કૂદી પડે તો તેને બચાવી શકાય તે માટે નીચે સુરક્ષા જાળી પકડીને જવાનોને સ્ટેન્ડબાય રખાયા હતા. સ્થળ પર હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવીને ફાયરમેન અને માર્શલ ઉપર પહોંચ્યા હતા. એક જવાનને દોરડા વડે બાંધીને નીચે ઉતારાયો, જ્યારે અન્ય એક જવાન નીચેથી પાલખ પર ચડ્યો હતો. ફાયર ફાઇટરોની સૂઝબૂઝથી માત્ર 1 કલાકમાં આ રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહ્યું હતું.
ટાંકી પર ચડવાનું કારણ અકબંધ
1 કલાક સુધી તંત્ર અને સ્થાનિક લોકોને ચિંતામાં મુકનાર યુવક શા માટે ટાંકી પર ચડ્યો હતો તે કારણ હજી અકબંધ છે. અસ્થિર મગજનો હોવાના કારણે તે શું બોલી રહ્યો હતો તે સમજાતું નહોતું. પોલીસે યુવકની અટકાયત કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, ACB ને સોંપવાની કાર્યવાહી શરૂ











