સુરતમાં ગંભીર બેદરકારીનો ભાંડો ફૂટ્યો! માતૃશક્તિ યોજનામાં સગર્ભાઓને અપાયું એક્સપાયર્ડ કઠોળ

Gujarat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ગંભીર બેદરકારી સામે આવી છે. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે આંગણવાડી કેન્દ્રો મારફતે વિતરણ માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થયેલો હોવાનું સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટના માત્ર વહીવટી લાપરવાહી જ નહીં, પરંતુ માતા અને નવજાત બાળકના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો ગંભીર મુદ્દો બની ગયો છે.
25થી વધુ આંગણવાડીઓમાં પહોંચ્યો એક્સપાયર્ડ જથ્થો
માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારની 25થી વધુ આંગણવાડીઓમાં ‘ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ’ મારફતે તુવેર દાળ અને ચણા સહિતનો પોષક આહાર પહોંચાડવામાં આવ્યો હતો.
જ્યારે આંગણવાડી કાર્યકરોએ પેકેટોની ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેના પર દર્શાવેલી એક્સપાયરી ડેટ ચાલી ગઈ હતી. આ જાણ થતાં કાર્યકરોએ તરત જ જથ્થો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડ્યો.
વેપારીનો દાવો: સરકારી ગોડાઉનમાંથી જ આવે છે એક્સપાયર્ડ માલ
આ મામલે દુકાન નંબર U-48ના સંચાલક સંજયકુમાર શાહે દાવો કર્યો કે વેપારીઓને જે માલ સરકારી ગોડાઉનમાંથી આપવામાં આવે છે તે જ આગળ વિતરણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે જો ગોડાઉનમાંથી મળેલો માલ એક્સપાયર્ડ હોય તો પણ વેપારીઓ પાસે તેને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. માલ પરત આપવાનો પ્રયાસ કરવામાં આવે તો સંબંધિત અધિકારીઓ તેને સ્વીકારતા નથી.
અધિકારીઓને રજૂઆત છતાં કાર્યવાહી નહીં
વેપારીઓ અને આંગણવાડી કાર્યકરોએ ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવાયું છે. અધિકારીઓએ એક્સપાયર્ડ જથ્થો પરત લેવાની ખાતરી આપી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. પરિણામે અનેક આંગણવાડી કેન્દ્રોમાં આ જથ્થાનું વિતરણ અટકાવવામાં આવ્યું છે.
આરોગ્ય સાથે ચેડાંનો ગંભીર આક્ષેપ
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેતુ સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડી માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. ત્યારે આવી યોજનામાં એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રી પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો, આંગણવાડી કાર્યકરો અને સામાજિક સંગઠનોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓ અને સપ્લાયર સામે કડક કાર્યવાહી તેમજ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડાયેલા જથ્થાની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો તે રાજ્યની પોષણ યોજનાઓના અમલીકરણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે.












