ગુજરાતટ્રેન્ડિંગ

“અમારે મતદાન ક્યાં કરવાનું?”, વોટર સ્લીપ ન મળતા કામરેજના 400 મતદારો મતદાનથી વંચિત

Voter Slip Issue: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે. એક તરફ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર 100 ટકા મતદાનનો પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારની રામદેવ સોસાયટીમાં લોકોનો વિરોધ જોવા મળ્યો છે. અહીંના આશરે 400 મતદારોને અત્યાર સુધી વોટર સ્લીપ મળી જ નથી અને તેઓને પોતાના મતદાન મથકની પણ કોઈ જાણકારી નથી.

સોસાયટીના રહીશોએ આજે મતદાનના દિવસે જ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો અને ‘સ્લીપ આપો… સ્લીપ આપો’ના નારા લગાવ્યા. તેમણે જણાવ્યું કે, “અમારી સોસાયટીમાં 400થી વધુ મતદારો છે. અત્યાર સુધી કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકર અહીં આવ્યા નથી. અમને વોટર સ્લીપ પણ નથી મળી. અમને ખબર જ નથી કે અમારે મતદાન ક્યાં કરવાનું છે.”

આ ઘટના ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોની જમીની હકીકતને ઉજાગર કરે છે. ચૂંટણી પંચ તરફથી વારંવાર 100 ટકા મતદાનના લક્ષ્યાંક અને જાગૃતિ અભિયાનના દાવા કરવામાં આવે છે, પરંતુ વિકસિત વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં મતદારોને માહિતી અને સ્લીપના અભાવે મતદાન કરવામાં અડચણ સર્જાઈ છે. સ્થાનિકોના કહેવા મુજબ, રાજકીય પક્ષોની ઉદાસીનતા અને તંત્રની બેદરકારીને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.

આ ઘટના સુરત જિલ્લામાં મતદાન જાગૃતિ અને વ્યવસ્થાના અભાવને લઈને ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. અત્યારે મતદારો તાત્કાલિક સ્લીપ અને મતદાન મથકની માહિતીની માંગ કરી રહ્યા છે જેથી તેઓ પોતાનો મતાધિકાર નિભાવી શકે.

આ પણ વાંચો: બાપુનગરમાં પ્લાસ્ટિક પેલેટ્સ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી

Back to top button