કાયદાના ધજાગરા ઉડ્યા: બાપનો બગીચો સમજી પોલીસ સ્ટેશનમાં બેસીને રીલ બનાવી, હવે નાની યાદ આવી જશે

સુરત, તા. 11 સપ્ટેમ્બર, 2025: સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર ઘટના બની હતી. એક કારીગરે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ખુરશી પર બેસીને ફોટોશૂટ કરાવ્યું અને પછી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કારીગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક કારીગર કોઈ કામથી પોલીસ સ્ટેશન ગયો હતો. તે દરમિયાન, PSI તેમની ખુરશી પર હાજર નહોતા. આ તકનો લાભ ઉઠાવીને આ કારીગરે PSIની ખુરશી પર બેસીને પોતાના ફોનથી ફોટા પાડ્યા હતા. બાદમાં તેણે આ ફોટા સુરતમાં પોલીસ સ્ટેશનમાં કલર કરી ગયો જેવા લખાણ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ સ્ટેશન જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારનું કૃત્ય ગંભીર ગુનો ગણાય છે. પોલીસે તાત્કાલિક કારીગરને શોધી કાઢ્યો અને તેની સામે ગુનો નોંધ્યો હતો. આ ફોટા વાયરલ થતાં પોલીસની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી હતી, જેના કારણે પોલીસ આ મામલે કડક પગલાં લઈ લીધા હતા. આ ઘટના પરથી એવું પણ લાગે છે કે પોલીસ સ્ટેશનમાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ક્ષતિ રહી હશે.
થોડા દિવસો પહેલા જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલરકામના પૈસા બાકી છે. તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી. દારૂના નશામાં પકડાયા બાદ આ વીડિયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ Asia Cup 202: UAE સામે જીત સાથે ભારતે બનાવ્યા આ રેકોર્ડ












