ટ્રેન્ડિંગનેશનલ

પતિ બનાવડાવતો હતો ઘર ખર્ચની એક્સેલ શીટ, પત્નીએ કરી FIR, મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પછી શું થયું?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પત્ની પાસેથી ઘર ખર્ચની એક્સેલ શીટ બનાવડાવવી એ ક્રૂરતા ગણી શકાય નહીં અને ફક્ત આ આધાર પર પતિ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. કોર્ટે પત્ની દ્વારા તેના પતિ સામે દાખલ કરાયેલી FIR રદ કરી દીધી. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે અદાલતોએ વૈવાહિક બાબતોમાં અત્યંત સાવધાની રાખવી જોઈએ અને વ્યવહારિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ. ઘણી ફરિયાદો લગ્નના રોજિંદા ઉતાર-ચઢાવ સાથે સંબંધિત છે, જેને કોઈપણ સંજોગોમાં ક્રૂરતા તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી.

પતિની દલીલ સ્વીકારતા કોર્ટે કહ્યું કે પત્નીના આરોપો, જેમ કે પતિ તેના માતાપિતાને પૈસા મોકલે છે, તેણીને રોજિંદા ખર્ચનો હિસાબ રાખવા કહે છે, ડિલિવરી પછી તેણીના વજન અંગે તેણીને ટોણો મારે છે, તે કાયદા હેઠળ ક્રૂરતા ગણાતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માતાપિતાને પૈસા મોકલવાને ફોજદારી કેસનો આધાર બનાવી શકાય નહીં.

કોર્ટે જણાવ્યું કે ખર્ચની એક્સેલ શીટ જાળવવાનો આરોપ પ્રથમ દૃષ્ટિએ સાચો હોઈ શકે છે, પરંતુ તે ક્રૂરતાની વ્યાખ્યામાં આવતો નથી. બેન્ચે જણાવ્યું કે કથિત આર્થિક અથવા નાણાકીય વર્ચસ્વને ક્રૂર ગણી શકાય નહીં સિવાય કે તે નોંધપાત્ર માનસિક અથવા શારીરિક નુકસાન પહોંચાડે.

કોર્ટે અવલોકન કર્યું કે આ પરિસ્થિતિ ભારતીય સમાજની વાસ્તવિકતાનું પ્રતિબિંબ હોઈ શકે છે, જ્યાં પુરુષો ઘણીવાર ઘરના પૈસા પર નિયંત્રણ રાખે છે, પરંતુ ફોજદારી મુકદ્દમાનો ઉપયોગ વ્યક્તિગત દુશ્મનાવટને સમાધાન કરવાના સાધન તરીકે કરી શકાતો નથી.

ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી પત્નીની સંભાળ ન રાખવા અને તેના વજન અંગે સતત ટોણા મારવાના આરોપો પર કોર્ટે કહ્યું કે જો આ આરોપોને સાચા તરીકે સ્વીકારવામાં આવે તો પણ, વધુમાં વધુ તે આરોપીના ચરિત્રને ખરાબ દર્શાવે છે, પરંતુ તેને ક્રૂરતા ન કહી કહી શકાય કે જેના કારણે તેને ફોજદારી ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થવું પડે.

સુપ્રીમ કોર્ટે પતિ વતી હાજર રહેલા વકીલની દલીલો સાથે સંમતિ દર્શાવી અને કહ્યું કે FIRમાં કરાયેલા આરોપો અસ્પષ્ટ અને સામાન્ય છે અને તેમાં કોઈ ચોક્કસ ઉત્પીડનના કોઈ નક્કર બનાવો કે પુરાવાનો ઉલ્લેખ નથી. કોર્ટે કહ્યું કે સ્પષ્ટ વિગતો વિના આવી જોગવાઈઓનો આશરો લેવાથી ફરિયાદ પક્ષનો કેસ નબળો પડે છે અને કાયદાના દુરુપયોગની શક્યતા ઊભી થાય છે.

કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે ન્યાયનો ભંગ થતો અટકાવવા માટે વૈવાહિક બાબતોમાં ફરિયાદોની સંપૂર્ણ તપાસ જરૂરી છે. કોર્ટે તારણ કાઢ્યું કે આરોપો લગ્નના રોજિંદા ઉતાર-ચઢાવથી આગળ વધતા નથી અને ક્રૂરતા ગણી શકાય નહીં, તેથી FIR રદ કરવામાં આવી.

આ પણ વાંચો: બેંક એકાઉન્ટ “1111111111”, અનેક ID પર એક જ ફોટો… પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પર CAGનો ચોંકાવનારો રિપોર્ટ

Back to top button