ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટને આવ્યો ગુસ્સો! કહ્યું – “બંધ કરી દો RERA, આ તો ફક્ત બિલ્ડરોનો સાથ આપે છે.”

સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) એક કેસની સુનવણી દરમિયાન રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરી પર કડક ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે RERA હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને બચાવવા માટેનું એક સાધન બની ગયુ છે, તેથી તેને બંધ કરવું જ સારું રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલિયા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કડક વલણ અપનાવ્યું હતું.

ન્યાયાધીશોએ કહ્યું કે હવે તમામ રાજ્ય સરકારોએ ગંભીરતાથી વિચારવું જોઈએ કે RERA નામની સંસ્થા શેના માટે બનાવવામાં આવી હતી? શું તે સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરવા માટે હતી કે બિલ્ડરોને સુવિધાઓ પૂરી પાડવા માટે? CJI સુર્યકાંતે ટિપ્પણી કરી, “ડિફોલ્ટર બિલ્ડરોને સુવિધા આપવા સિવાય આ સંસ્થા બીજું કંઈ કરી રહી નથી. આવી સ્થિતિમાં, આ સંસ્થાને સંપૂર્ણપણે બંધ કરવી વધુ સારું રહેશે.”

શિમલાથી ધર્મશાલા ઓફિસ શિફ્ટ કરવાના મુદ્દે વિવાદ

હિમાચલ પ્રદેશના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની નારાજગી ઉભરી આવી. આ વિવાદ હિમાચલ પ્રદેશ સરકારના તે નિર્ણયને લઈને ઊભો થયો હતો, જેમાં રાજ્યના RERA કાર્યાલયને શિમલાથી ધર્મશાલા શિફ્ટ કરવા અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે અપીલ દાખલ કરવામાં આવી હતી, અને મામલો હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

ગયા વર્ષે, હાઇકોર્ટે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશન પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટનું માનવું હતું કે સરકારે ઓફિસ શિફ્ટ કરવાનો નિર્ણય કોઈ વિકલ્પી જગ્યાની ઓળખ કર્યા વિના લીધો છે. તેના આદેશમાં, હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે 18 આઉટસોર્સ કર્મચારીઓને અન્ય બોર્ડ અને કોર્પોરેશનોમાં સ્થાનાંતરિત કરવાથી RERA ની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આ દલીલોના આધારે, હાઇકોર્ટે 13 જૂન, 2025 ના જાહેરનામા પર સ્ટે આપ્યો હતો.

જનતાને અસુવિધા ન થાય તેની કાળજી લેવામાં આવી

ગુરુવારે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો, જેનાથી રાજ્ય સરકારને મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટે રાજ્યને RERA ઓફિસને શિમલાથી ધર્મશાલા ખસેડવાની મંજૂરી આપી. જોકે, કોર્ટે ખાતરી કરી કે આ પ્રક્રિયાથી સામાન્ય લોકો અથવા RERAના આદેશોથી પ્રભાવિત લોકોને કોઈ અસુવિધા ન થાય.

બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે માત્ર RERA ઓફિસ જ નહીં પરંતુ અપીલ ટ્રિબ્યુનલ (Appellate Tribunal)ને પણ ધર્મશાલામાં ખસેડવામાં આવે જેથી લોકોને અપીલ માટે આમતેમ દોડવું ન પડે. રાજ્ય સરકાર વતી વરિષ્ઠ વકીલ માધવી દિવાને દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું વલણ અપનાવ્યું હોય તેવું આ પહેલી વાર નથી; આવા જ એક કેસમાં, કોર્ટે અગાઉ હિમાચલ પ્રદેશ પછાત વર્ગ આયોગના મુખ્ય મથકને શિમલાથી ધર્મશાલા ખસેડવા પર હાઇકોર્ટનો સ્ટે ઉઠાવી લીધો હતો.

આ પણ વાંચો: ‘PM મોદીને ધમકાવ્યા, સ્પીકરને ગાળો બોલી’, રિજિજુએ વિપક્ષના હોબાળાનો વીડિયો જાહેર કર્યો

Back to top button