ટ્રેન્ડિંગનેશનલ

ઉજ્જૈન મહાકાલ મંદિર વિસ્તારના વિસ્તરણને SCની લીલીઝંડી: તકિયા મસ્જિદની અરજી ફગાવી

નવી દિલ્હી: 18 ડિસેમ્બર, 2025: સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસરના વિસ્તરણ (મહાકાલ લોક ફેઝ-II) પર પોતાની મહોર મારી દીધી છે. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનને પડકારતી તકિયા મસ્જિદની અરજીને ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, અરજદાર માત્ર એક ઉપાસક છે, જમીનનો માલિક નહીં, તેથી તેમને આ પ્રક્રિયાને પડકારવાનો કોઈ કાનૂની અધિકાર (લોકસ સ્ટેન્ડી) નથી.

​સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન

​જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર જમીનના માલિક કે રેકોર્ડ પર ટાઈટલ હોલ્ડર નથી. જ્યારે કોઈ વ્યક્તિ જમીનનો માલિક ન હોય, ત્યારે તે સંપાદનની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી શકે નહીં. અરજીમાં સંપાદનની નોટિફિકેશનને સીધી રીતે પડકારવામાં આવી નથી, પરંતુ વાંધો માત્ર વળતર (compensation) સુધી સીમિત છે. આવા કિસ્સાઓમાં કાયદા હેઠળ અન્ય વૈકલ્પિક કાનૂની માર્ગો ઉપલબ્ધ છે.

​અરજદારની દલીલો અને કોર્ટનો પ્રતિસાદ

​અરજદાર વતી વરિષ્ઠ એડવોકેટ હુઝેફા અહમદીએ દલીલ કરી હતી કે, 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ ‘સામાજિક પ્રભાવ આકલન’ (Social Impact Assessment) કરવામાં આવ્યું નથી, જેના કારણે આ પ્રક્રિયા ગેરકાયદે છે. જોકે, સુપ્રીમ કોર્ટ આ દલીલ સાથે સહમત થઈ ન હતી. અગાઉ હાઈકોર્ટે પણ કહ્યું હતું કે અરજીકર્તાઓ માત્ર વળતરની માંગ કરી શકે છે, સંપાદનને રોકી શકે નહીં.

​મહાકાલ લોક ફેઝ-II પ્રોજેક્ટનો માર્ગ મોકળો

​મધ્યપ્રદેશ વકફ બોર્ડમાં નોંધાયેલી આ મિલકત બાબતે દાવો કરવામાં આવ્યો હતો કે વકફ એક્ટની કલમ 91 મુજબ બોર્ડને સાંભળ્યા વગર સંપાદન ન થઈ શકે. પરંતુ, સુપ્રીમ કોર્ટના આ તાજા ચુકાદા સાથે હવે તમામ વિવાદોનો અંત આવ્યો છે. આ નિર્ણયથી ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસર અને તેની આસપાસના જાહેર સ્થળોના પુનઃવિકાસ માટેની રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજના ‘મહાકાલ લોક ફેઝ-II’ નો માર્ગ સાફ થઈ ગયો છે.

આ પણ વાંચો: સંજુ સેમસન અને બુમરાહની વાપસી! ભારત અને આફ્રિકા વચ્ચેની 5મી T20 માંથી કોણ બહાર રહેશે? સંભવિત પ્લેઇંગ 11

Back to top button