ટ્રેન્ડિંગનેશનલ

ચમત્કાર! હાડ થીજવતી ઠંડીમાં આખી રાત રસ્તા પર પડ્યું રહ્યું નવજાત બાળક, રખડતા શ્વાને બચાવ્યો જીવ

પશ્ચિમ બંગાળઃ 3 ડિસેમ્બર, 2025: જ્યાં એક તરફ રખડતા શ્વાનના હુમલાના સમાચારો આવતા રહે છે. અહીં પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના નવદ્વીપની રેલવે વર્કર્સ કોલોનીમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે શ્વાનની વફાદારી અને માનવ સાથેના તેમના જોડાણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ હૃદયદ્રાવક અને દિલને સ્પર્શી જાય તેવી ઘટનામાં એક મહિલા પોતાના નવજાત બાળકને ભયંકર ઠંડીમાં બાથરૂમની બહાર છોડીને જતી રહી હતી.

હાડ થીજવતી ઠંડીમાં તરછોડાયેલું બાળક

માત્ર થોડા કલાકો પહેલા જન્મેલા તે બાળકના શરીર પર પ્રસવના લોહીના નિશાન પણ હતા. ન તો તેને કોઈ ધાબળામાં લપેટવામાં આવ્યું હતું, ન તો નિર્દયી માતાએ તેની પાસે કોઈ ચિઠ્ઠી છોડી હતી. સૂમસાન અને હાડ થીજવતી ઠંડીની રાતમાં તે બાળક રસ્તા પર રડી રહ્યું હતું. આટલી ભયંકર ઠંડીમાં તે આટલો સમય જીવિત રહ્યું, તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

શ્વાનની વફાદારી

રખડતા શ્વાનનું ટોળું તે બાળક પર હુમલો કરીને તેનો જીવ લઈ શક્યું હોત, પરંતુ તેના બદલે શ્વાનના ટોળાએ બાળકની આસપાસ સુરક્ષા ઘેરો બનાવી લીધો અને આખી રાત તેની રખેવાળી કરતા રહ્યા. સૂર્ય ઊગ્યો, ત્યારે જ શ્વાન ત્યાંથી હટ્યા.

ઘટનાસ્થળે પહોંચેલા સુકલા મંડલ નામના એક મહિલાએ કહ્યું, “જ્યારે અમે વહેલી સવારે જાગ્યા, ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને અમારા રૂંવાડા ઊભા થઈ ગયા. નવજાતની આસપાસ ઊભેલા શ્વાન આક્રમક નહોતા. તેઓ સતત ભસતા હતા, જાણે કે ઇશારો કરી રહ્યા હોય કે, બાળકનો જીવ જોખમમાં છે. મહિલા ધીમે ધીમે શ્વાનના ટોળાને સમજાવીને ત્યાં પહોંચી, જેથી તેઓ બાળક પર હુમલો ન કરે. તે પાસે પહોંચી તો શ્વાન પાછળ હટી ગયા.

ડૉક્ટરોએ પુષ્ટિ કરી: શરીર પર કોઈ ઘા નહોતા

અન્ય એક વ્યક્તિ સુભાષ પાલે જણાવ્યું કે, “અમે રાત્રે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ અમને લાગ્યું કે કોઈના ઘરમાં બાળક બીમાર હશે. પરંતુ જ્યારે સવારે અમે બાળકને ત્યાં પડેલું જોયું અને શ્વાનના ટોળાને તેની સાથે જોયા, તો આશ્ચર્ય થયું. સુકલા મંડલે દુપટ્ટામાં બાળકને લપેટ્યું અને તરત જ પડોશીઓને બોલાવ્યા. તેઓ બાળકને મહેશગંજ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની હાલત જોઈને તેને કૃષ્ણાનગર સદર હોસ્પિટલ લઈ જવામાં આવ્યું.

ડૉક્ટરોએ કહ્યું કે, બાળકના શરીરમાં કોઈ ઘા નહોતા. તેના માથા પર જે થોડું લોહી લાગેલું હતું, તે પ્રસવ દરમિયાનનું હતું. એવું લાગે છે કે બાળકના જન્મની થોડી મિનિટો પછી જ તેને રસ્તા પર છોડી દેવામાં આવ્યું.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ આસપાસના કોઈ વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની શંકા રાખી રહી છે અને નવદ્વીપ પોલીસ તપાસ કરી રહી છે. આટલી ભીષણ ઠંડીમાં બાળકના જીવિત રહેવા અને શ્વાન દ્વારા તેની રખેવાળી કરવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

 

Back to top button