પશ્ચિમ બંગાળના CM સુવેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ, ઉડાન પહેલાં જ આવી હતી ટેક્નિકલ ખામી

National News: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના હેલિકોપ્ટરનું મંગળવારે કોલાઘાટમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કોલકાતાથી પશ્ચિમ મેદિનીપુરના કેશપુર જઈ રહ્યા હતા. દરમિયાન ખરાબ હવામાન અને હેલિકોપ્ટરમાં ટેકનિકલ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાઇલટે સાવચેતીના ભાગરૂપે કોલાઘાટમાં હેલિકોપ્ટર ઉતારવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
ઉડાન પહેલાં હેલિકોપ્ટરમાં આવી હતી ખામી
અહેવાલ મુજબ કોલકાતા એરપોર્ટ પરથી ઉડાન ભરતા પહેલાં જ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. સમસ્યા દૂર કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટરે સવારે લગભગ 11:21 વાગ્યે ઉડાન ભરી હતી. જોકે આ પ્રારંભિક ટેક્નિકલ ખામી અંગે એરપોર્ટ ઓથોરિટી તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નહોતું.
કોલાઘાટમાં કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ
ઉડાન ભર્યા બાદ મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર કેશપુર તરફ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન હવામાન ખરાબ બન્યું હતું. કેટલાક અહેવાલોમાં હેલિકોપ્ટરમાં ફરી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોલાઘાટ વિસ્તારમાં હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.
રોડ માર્ગે કેશપુર જવા રવાના થયા CM
ઇમર્જન્સી લેન્ડિંગ બાદ સુવેન્દુ અધિકારીએ પોતાની આગળની મુસાફરી રોડ માર્ગે ચાલુ રાખી હતી. તેઓ પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના કેશપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં સર્જાયેલી તકનીકી સમસ્યાની તપાસ માટે ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.
ખુદીરામ બોઝને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા હતા
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ખુદીરામ બોઝને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશપુર જઈ રહ્યા હતા. 11 ઓગસ્ટ ખુદીરામ બોઝના શહીદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમનો જન્મ પશ્ચિમ મેદિનીપુરના કેશપુર વિસ્તારના મોહોબની ગામમાં થયો હતો. ખુદીરામ બોઝને 11 ઓગસ્ટ 1908ના રોજ માત્ર 18 વર્ષની ઉંમરે બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તેમની શહાદતને યાદ કરવા પશ્ચિમ બંગાળમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.












