Asian Games 2026: 75 વર્ષની સફર જાપાન પહોંચી, 503 ખેલાડીઓ સાથે ભારતની ઐતિહાસિક પડકાર માટે તૈયારી
Asian Games 2026: વર્ષ 1951માં નવી દિલ્હીમાં શરૂ થયેલી એશિયન ગેમ્સની સફર 75 વર્ષ બાદ હવે જાપાનના આઇચી-નાગોયા પહોંચી છે. 20મી એશિયન ગેમ્સનો સત્તાવાર પ્રારંભ શનિવાર, 19 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન સમારોહ સાથે થશે અને રમતોત્સવ 4 ઓક્ટોબર સુધી ચાલશે. કેટલીક સ્પર્ધાઓ જોકે સત્તાવાર ઓપનિંગ પહેલાં જ શરૂ થઈ ચૂકી છે.
આ વખતે 45 દેશો અને પ્રદેશોના 11 હજારથી વધુ ખેલાડીઓ મેદાનમાં જોવા મળશે. કુલ 43 રમતોમાં 469 મેડલ ઇવેન્ટ યોજાશે. આયોજકોના આંકડા પ્રમાણે સ્પર્ધાઓ માટે જાપાનમાં 54 વેન્યૂ તૈયાર કરવામાં આવ્યા છે.
503 ભારતીય ખેલાડીઓ, 36 રમતોમાં પડકાર
ભારત આ વખતે 503 એથ્લેટ્સના મજબૂત દળ સાથે મેદાનમાં ઉતર્યું છે. તેમાં 269 પુરુષ અને 234 મહિલા ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓ કુલ 36 રમતોમાં ભાગ લેશે. અંતિમ ક્ષણે ચાર સર્ફર, છ એથ્લેટ અને એક MMA ફાઇટર ઉમેરાતા ભારતીય દળની સંખ્યા અગાઉ મંજૂર થયેલા 492થી વધીને 503 થઈ છે.
ઉદ્ઘાટન સમારોહમાં ભારત તરફથી બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને બે વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન શોટપુટર તજિન્દરપાલ સિંહ તૂર ધ્વજવાહક રહેશે.
64 વર્ષ બાદ ટોપ-3માં વાપસીનો પડકાર
ભારત માટે આ એશિયન ગેમ્સમાં એક મોટી ઐતિહાસિક તક પણ છે. ભારત છેલ્લે 1962ની જકાર્તા એશિયન ગેમ્સમાં મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું હતું. ત્યારબાદ ભારત ટોપ-3માં સ્થાન મેળવી શક્યું નથી. એટલે આઇચી-નાગોયામાં ભારત સામે લગભગ 64 વર્ષ બાદ ફરી ટોચના ત્રણ દેશોમાં સ્થાન બનાવવાનો મોટો પડકાર રહેશે.
ચીન 1982થી દરેક એશિયન ગેમ્સમાં મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે. છેલ્લી હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પણ ચીન પ્રથમ, જાપાન બીજા અને દક્ષિણ કોરિયા ત્રીજા સ્થાને રહ્યા હતા.
હાંગઝોઉના 107 મેડલનો રેકોર્ડ તોડવાની તક
ભારતે હાંગઝોઉમાં પોતાની એશિયન ગેમ્સની ઇતિહાસની સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હતી. ભારતે 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સહિત કુલ 107 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. હવે જાપાનમાં ભારતીય ખેલાડીઓ સામે આ રેકોર્ડને વધુ આગળ લઈ જવાનો પડકાર છે.
પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોરગોહેન, તજિન્દરપાલ સિંહ તૂર, જ્યોતિ સુરેખા વેન્નમ અને મનુ ભાકર જેવા અનુભવી ખેલાડીઓની સાથે નવી પેઢીના અનેક યુવા ચહેરાઓ પણ ભારતીય અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સાત રમતોમાં LA Olympics 2028ની ટિકિટનો પણ દાવ
એશિયન ગેમ્સ 2026 માત્ર મેડલ જીતવા પૂરતી સીમિત નથી. આર્ચરી, હોકી, સેલિંગ, સ્ક્વોશ, સર્ફિંગ, ટેનિસ અને ટ્રાયથલોનમાં આ સ્પર્ધાઓ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફિકેશનનો માર્ગ પણ બનશે. એટલે આ રમતોમાં મેડલ ઉપરાંત ઓલિમ્પિક ક્વોટા પણ દાવ પર રહેશે.
MMAથી Teqball સુધી નવી રમતોનો ઉમેરો
આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં કેટલીક નવી રમતો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. Mixed Martial Arts (MMA), Padel, Surfing, Virtual Taekwondo અને Teqballને કાર્યક્રમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ ચેસ, બ્રિજ, Go અને Xiangqi જેવી કેટલીક રમતો આ વખતના કાર્યક્રમમાં નથી. Esports અને Breakingને યથાવત રાખવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આખું જાપાન બન્યું સ્પોર્ટ્સ ઝોન
ભલે મુખ્ય યજમાન આઇચી પ્રીફેક્ચર અને નાગોયા શહેર હોય, પરંતુ સ્પર્ધાઓ માત્ર નાગોયા સુધી મર્યાદિત નથી. જાપાનના વિવિધ વિસ્તારોમાં કુલ 54 વેન્યૂ પર રમતો યોજાશે. ટોક્યોમાં સ્વિમિંગ જ્યારે ઓસાકામાં ફૂટબોલની કેટલીક સ્પર્ધાઓ યોજાવાની છે.
જાપાન ત્રીજી વખત એશિયન ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. આ પહેલાં ટોક્યોમાં 1958 અને હિરોશિમામાં 1994માં એશિયન ગેમ્સ યોજાઈ હતી. હવે 32 વર્ષ બાદ એશિયન ગેમ્સ ફરી જાપાન પરત ફરી છે.
75 વર્ષની એશિયન ગેમ્સની સફરમાં ભારત માટે આઇચી-નાગોયા 2026નો પડકાર ખાસ રહેશે. એક તરફ 107 મેડલના પોતાના રેકોર્ડને પાછળ છોડવાનો પ્રયાસ રહેશે, તો બીજી તરફ 1962 બાદ પ્રથમવાર મેડલ ટેલીના ટોપ-3માં વાપસી કરવાની તક રહેશે.
આ પણ વાંચો: અમદાવાદ-સુરતમાં જામશે ગરબાનો રંગ, જાણો આ વખતે નવરાત્રિમાં કયા કલાકાર ક્યાં રમઝટ બોલાવશે












