આભાસી દુનિયાનુ આકર્ષણ અને વાસ્તવિક જીવનથી પલાયન, કેમ નબળું થઈ રહ્યું છે બાળમન?

Social Media Sin: કોઈપણ સમાજ માટે એનાથી વધુ ભયાનક કઈ ના હોઈ શકે કે બાળકો સહજતાથી જીવનનો સાથ છોડવા લાગી જાય. થોડા સમય પહેલાં નોઈડામાં સત્તર વર્ષના એક કિશોરે પંદરમા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલાં સીસીટીવી ફૂટેજમાં તે બાળક લિફ્ટથી ઉપર જતા “વિક્ટરી સાઇન” એટલે કે જીતનો સંકેત આપતો દેખાયો હતો. તેણે તેની માતાને મેસેજ પણ મોકલ્યો હતો, જેમાં આવું પગલું ભરવા અને તેના માતાપિતાને દુઃખ પહોંચાડવા બદલ માફી માંગી હતી. આ વર્તન દરેક સંવેદનશીલ વ્યક્તિને ભયભીત કરી નાખે એવું છે. સાથે સાથે તે બાળ મનોવિજ્ઞાન અંગે અનેક પ્રશ્નો પણ ઊભા કરે છે. આખરે મૃત્યુને પસંદ કરતી વખતે એક બાળકને પોતાની જીત કેમ લાગી રહી છે? આ ઊર્જાવાન ઉંમરમાં જીવનથી હારીને તે કોની સામે જીત મેળવી રહ્યો છે?
થોડા સમય પહેલાં અમદાવાદની એક શાળામાં સોળ વર્ષની એક વિદ્યાર્થીની હસતાં હસતાં પોતાના ક્લાસમાંથી બહાર નીકળી અને હાથમાં ચાવીઓનો ગુચ્છો ફરાવતી-ફરાવતી ખૂબ સહેલાઈથી શાળાના ચોથા માળેથી કુદી પડી. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જે બતાવે છે કે નવી પેઢીને સમજવામાં અને સમજાવવામાં ક્યાંક તો ચૂક થઈ રહી છે.
એવા કયા દબાણો છે કે તેમને મૃત્યુ એ મુક્તિનો માર્ગ લાગે છે? હસવા-રમવાની ઉંમરે કઈ વાતોનો તણાવ બાળકોને આ રસ્તો પસંદ કરવા માટે દોરી જાય છે? સૌથી મોટી ચિંતા એ છે કે તેમની મૂંઝવણ તેમના વર્તન અને વિચારોથી દેખાતી જ નથી. સમયસર ઉકેલ શોધવાનો મોકો જ મળતો નથી. ઘણા માતા-પિતાનુ આખું જીવન એ સમજવામાં જ વીતી જાય છે કે તેમના બાળકે આખરે આત્મહત્યાનો રસ્તો જ કેમ પસંદ કર્યો?
એમાં કોઈ શંકા જ નથી કે બાળકોમાં જીવનનો અંત લાવવાની વ્યાપક વૃત્તિ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની છે. આત્મહત્યાના આવા કિસ્સાઓ ગુસ્સામાં જીવનનો ત્યાગ કરી દેવાની ઘટનાઓથી સંપૂર્ણપણે અલગ છે. બાળકો સમજી વિચારી, માતા-પિતાને સંદેશ લખીને પોતાની જાન આપી દે છે. આવી ઘટના માત્ર એક પરિવાર પર નહીં, પરંતુ આખા પરિવારિક વાતાવરણ, શાળા વ્યવસ્થા અને સમાજની પરિસ્થિતિઓ પર પણ પ્રશ્ન ઊભા કરે છે. એનો અર્થ એ છે કે સમસ્યા ફક્ત બાળક સુધી મર્યાદિત નથી, પરંતુ તેના આસપાસનું વાતાવરણ, દબાણ અને સંબંધો પણ જવાબદાર હોઈ શકે છે.
અહીં થોડું થંભીને બાળકોના બદલાતા મનોભાવોને સમજવાની અને આગળ વધીને બાળકોની લાગણીઓને ઊંડાણથી સમજવાની જરૂર છે. બાળકોનું આ અણધાર્યું વર્તન દરેકને અસ્વસ્થ કરી નાખે એવું છે.
આ ઘટનાઓને લગતા પ્રશ્નો માતાપિતાને જીવનભર સતાવે છે. ઘણી વખત નિર્દોષ બાળક એવું પગલું ભરી લે ત્યારે પણ લોકોને વિશ્વાસ જ નથી આવતો કે આવું કેવી રીતે બની ગયું. આ જ કારણ છે કે આવી ઘટનાઓ પાછળના સાચા કારણોને સ્પષ્ટ રીતે સમજવું મુશ્કેલ બનતું જાય છે. માતા-પિતા હોય કે શિક્ષકો, આજકાલ બાળકોના મનની ઊંડાઈ સમજવી ખરેખર ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.
આજકાલના સામાજિક અને પરિવારિક વાતાવરણમાં બાળકોના બૌદ્ધિક વિકાસને તો ખૂબ મહત્વ આપવામાં આવે છે, પરંતુ તેમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવાની દિશામાં એટલું ધ્યાન આપવામાં આવતું નથી. આવી ઘટનાઓ બતાવે છે કે શાળા હોય કે આસપાસનું વાતાવરણ, બાળકોને માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવા જરૂરી છે. ઓછામાં ઓછું એટલું તો દરેક બાળકને શીખવવું જ જોઈએ કે તે પોતાના મનની ખીજ, તણાવ કે કોઈના વર્તનથી થયેલુ દુખ માતા-પિતાને ખુલ્લેઆમ કહી શકે.
આ કઠિન સ્પર્ધાના સમયમાં ઘણા બાળકો પોતાને લાચાર અનુભવી રહ્યા છે. એક તરફ માતા-પિતાની મહત્ત્વાકાંક્ષાઓનું ભારણ છે, તો બીજી તરફ ચમક-ધમક ભરેલી આભાસી દુનિયાનું આકર્ષણ અને ભટકાવ છે. કેટલાક કિસ્સાઓમાં તો આ વર્ચ્યુઅલ દુનિયાને લગતી રમતો પણ જીવ ગુમાવવાનું કારણ બની છે.
આપણે વિચારવુ પડશે કે ચારેય બાજુથી આવતા માનસિક દબાણના કારણે બાળકો જાણતા-અજાણતા ડિપ્રેશન અને એકલતામાં ડૂબી જાય છે. વધુમાં, સોશિયલ મીડિયાની છબીઓ, રોજિંદા જીવન, મિત્રો સાથેની સરખામણી અને દબાણ નાના બાળકોના મનમાં અસંખ્ય મૂંઝવણ પેદા કરી રહ્યું છે. એક આંકડા મુજબ, 2019 થી 2023 ની વચ્ચે આવી ઘટનાઓમાં 34.4 ટકાનો વધારો થયો છે.
જોવા જઈએ તો, આજે બાળકો ઘણા ભાવનાત્મક પડકારો વચ્ચે મોટા થઈ રહ્યા છે. માતાપિતાના છૂટાછેડાથી લઈને કૌટુંબિક સમસ્યાઓ અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા જેવા જીવનના દરેક પાસા પર દબાણ સહન કરવું, આ બધું હવે ઘણા બાળકોની જીવનશૈલીનો ભાગ બની ગયું છે. પાછળ છોડવામાં આવતી સુસાઈડ નોટ આ દબાણ અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓને છતી કરે છે.
કેટલી દુઃખદ વાસ્તવિકતા છે કે એક બાળક આત્મહત્યા જેવું પગલું ભરતા પહેલા પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી શકતું નથી, જ્યારે મોટા લોકો બાળકની મૂંઝવણભરી માનસિક સ્થિતિને સમજવામાં નિષ્ફળ જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી, માતાપિતા અને શિક્ષકો બાળકોના મનને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સહાયક અભિગમ અપનાવ્યો છે. પુખ્ત વયના લોકો પણ ગ્રેડની દોડમાં આગળ રહેવા કરતાં જીવન બચાવવાને વધુ મહત્વ આપવા લાગ્યા છે. આમ છતાં, ખુલ્લાપણું, વર્ચ્યુઅલ દુનિયાની હાજરી અને માનસિક વિભાજન બાળકોમાં આત્મહત્યાના વિચારોને વેગ આપી રહ્યા છે. ટેકનોલોજીના વમળમાં ફસાયેલા બાળકો ભાવનાત્મક રીતે પણ અસ્વસ્થ બની રહ્યા છે. મૂળભૂત રીતે, તેમની માનસિક સ્થિતિ વાસ્તવિક જીવનને સમજવાથી દૂર થઈ ગઈ છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના એક અભ્યાસ મુજબ, પાંચમાંથી એક બાળક માનસિક રીતે નબળું છે. એ સમજવું મહત્વપૂર્ણ છે કે ભાવનાત્મક નબળાઈ અને અત્યંત સંવેદનશીલતા બાળકોને અસુરક્ષિતતા, ડર, ડિપ્રેશન અને આત્મવિશ્વાસની કમીના શિકાર બનાવે છે.
એ સમજી લેવું જરૂરી છે કે ભાવનાત્મક અસંતુલનનો સીધો સંબંધ કેટલીકવાર બાળકોની ખરાબ આદતો અથવા લત સાથે છે. આ જાળ ઘણી વખત આત્મહત્યા જેવી પરિસ્થિતિઓ પણ ઊભી કરી શકે છે. આ સ્થિતિમાં, સંસ્થાકીય, પરિવારિક અને સામાજિક દરેક સ્તર પર બાળકોના મનને સમજવાનો પ્રયત્ન જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા પ્રવૃત્તિને રોકવા માટે મોટા લોકોની સતર્કતા અને બાળકોની આત્મ-જાગૃતિ ખુબ જરૂરી છે.
આ પણ વાંચો: હિન્દુ પ્રેમિકા તેના મુસ્લિમ પ્રેમી સાથે મંદિરમાં ગઈ, હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો












