હું પાર્ટ ટાઈમ એક્ટ્રેસ છું અને ફુલ ટાઈમ રાજકારણી: 25 વર્ષ બાદ ફરી ‘તુલસી’ બનીને આવી રહ્યા છે સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી, 9 જુલાઈ 2025: સ્મૃતિ ઈરાનીએ વર્ષ ૨૦૦૦ માં તુલસી બનીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ ૨૦૦૮ પછી તે નાના પડદાથી દૂર થઈ ગયા હતા. સ્મૃતિ ઈરાની એક નેતાની સાથે સાથે અભિનેત્રી પણ બની ગયા છે. સ્મૃતિ ઈરાની લાંબા સમયથી નાના પડદાથી દૂર હતા, પરંતુ હવે સ્મૃતિ ઈરાની એકતા કપૂરના હિટ ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝન સાથે વાપસી કરી રહ્યા છે. તાજેતરમાં, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન ૨ નો નવો પ્રોમો રિલીઝ થયો, જેનાથી દર્શકો ખુશ થઈ ગયા છે. ચાહકો ફરી એકવાર ‘તુલસી’ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ દરમિયાન, સ્મૃતિ ઈરાનીએ સ્પષ્ટ કર્યું કે અભિનય તેમના માટે પૂર્ણ-સમયની નોકરી નથી, પરંતુ પાર્ટ-ટાઇમ જોબ છે.
‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સાથે દર્શકોમાં સ્મૃતિ ઈરાનીનું પુનરાગમન
સ્મૃતિ ઈરાનીએ એક ચેનલ સાથે વાતચીતમાં તેમના પુનરાગમન વિશે વાત કરી હતી. સ્મૃતિ ઈરાનીએ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2 સાથે પોતાના પુનરાગમનને ‘સાઇડ પ્રોજેક્ટ’ ગણાવ્યો અને અભિનય અને રાજકારણ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. તેમણે કહ્યું, ‘મારા માટે, ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એક સાઇડ પ્રોજેક્ટ છે. મોટાભાગના દર્શકો માટે, આ શો ફક્ત એક વ્યક્તિ વિશે નથી રહ્યો પરંતુ હંમેશા એક જૂથ વિશે રહ્યો છે, જેમાં કલાકારો અને લેખકો તેમજ આખી ટીમનો સમાવેશ થાય છે.
પૂર્ણ-સમય રાજકારણી અને પાર્ટ-ટાઇમ અભિનેત્રી
સ્મૃતિ ઈરાનીએ કહ્યું, ‘હું ખૂબ જ નમ્રતાપૂર્વક કહું તો, તે જૂથનો સૌથી પ્રખ્યાત ચહેરો છું, પરંતુ હું એક પૂર્ણ-સમય રાજકારણી અને પાર્ટ-ટાઇમ અભિનેત્રી છું.’ આ દરમિયાન, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે જેમ કેટલાક લોકો વકીલ, પ્રોફેસર કે પત્રકાર હોવા છતાં રાજકારણ કરે છે, તેમ તેઓ પણ નેતા હોવાની સાથે કેમેરા સાથે જોડાયેલા રહેવા માગે છે. સ્મૃતિ ભલે તેને ‘સાઇડ પ્રોજેક્ટ’ કહી રહ્યા હોય, પરંતુ આ દર્શકો માટે મોટા સમાચાર છે, કારણ કે ઘણા દર્શકોની વર્ષો જૂની યાદો તેની સાથે જોડાયેલી છે.
નસીબે પણ તેમને સાથ આપ્યો
જ્યારે તેમણે વર્ષો પછી અભિનયની દુનિયામાં પાછા ફરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે તેમની કારકિર્દી પર ગર્વ વ્યક્ત કર્યો અને કહ્યું, ‘મીડિયા, ટીવી અને રાજકારણમાં 49 વર્ષની ઉંમરે 25 વર્ષની સફર… તે એક આશીર્વાદ છે.’ સ્મૃતિ ઈરાનીએ સ્વીકાર્યું કે તેમને મહેનત અને નસીબે આ સ્થાન સુધી પહોંચવામાં ફાળો આપ્યો છે. તેમણે કહ્યું, ‘વધુ મહત્વની વાત એ છે કે જો તમે એક મહિલા છો અને સતત 25 વર્ષ સુધી મીડિયા અને રાજકારણમાં ટોચ પર રહો છો, તો તે કોઈ નાની સિદ્ધિ નથી. જોકે, તેમની મહેનતની સાથે, નસીબે પણ તેમાં ક્યાંકને ક્યાંક ફાળો આપ્યો છે.’
પહેલો એપિસોડ 29 જુલાઈએ પ્રસારિત થશે
અહીં ઉલ્લેખનિય છે કે, ટીવીનો સૌથી સફળ શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફરી પાછા ફરી રહ્યા છે. તેની બીજી સીઝન 29 જુલાઈથી રાત્રે 10.30 વાગ્યે પ્રસારિત થશે. હાલમાં, શોની વાર્તા, કલાકારો અને પ્લોટ વિશે વધુ માહિતી નથી, પરંતુ સ્મૃતિ ઈરાનીની ટીવી પર વાપસીથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.












