સ્માર્ટફોનની આ 10 સેટિંગ્સ અત્યારે જ બદલી લો, નહીંતર દરરોજ લીક થતો રહેશે તમારો ડેટા

Smartphone data leak prevention settings: આજના સમયમાં સ્માર્ટફોન માત્ર કોલ કરવા પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેમાં આપણા ફોટા, બેંકિંગ એપ્સ, ચેટ્સ, લોકેશન, કોન્ટેક્ટ્સ, ઈમેલ અને અનેક સંવેદનશીલ માહિતી હોય છે. પરંતુ ઘણીવાર આપણે પોતે જ એવી સેટિંગ્સ ઓન રાખી મૂકીએ છીએ, જેના કારણે થર્ડ-પાર્ટી એપ્સ આપણી અંગત વિગતો સુધી પહોંચ બનાવી લે છે.
દરેક એપ તમારો ડેટા ચોરી નથી કરતી, પરંતુ ઘણી એપ્સ તમારી લોકેશન, કેમેરા, માઈક્રોફોન કે વપરાશની આદતો સાથે જોડાયેલી માહિતી ભેગી કરતી હોય છે. સારી વાત એ છે કે આ બધી બાબતો પર તમારું નિયંત્રણ શક્ય છે. ફોનની કેટલીક સેટિંગ્સ બદલીને તમે તમારી ડિજિટલ પ્રાઈવસીને વધુ મજબૂત બનાવી શકો છો.
1. સૌથી પહેલાં ‘એપ પરમિશન’ તપાસો
એપ ઈન્સ્ટોલ કરતી વખતે લોકો વાંચ્યા વિના જ બધી પરમિશન પર ‘Allow’ કરી દે છે. જો કોઈ ટોર્ચ કે કેલ્ક્યુલેટર એપને કોન્ટેક્ટ્સ કે માઈક્રોફોનની જરૂર જ નથી, તો તેની પરમિશન તરત જ બંધ કરી દેવી જોઈએ.
-
Android માટે: Settings > Privacy > Permission Manager અથવા Privacy Dashboard માં જઈને જોઈ શકાય છે કે કઈ એપને કઈ-કઈ પરમિશન આપેલી છે.
2. લોકેશન હંમેશાં ઓન ન રાખો
દરેક એપને ચોવીસે કલાક તમારી લોકેશન જાણવાની જરૂર હોતી નથી. જો કોઈ એપને લોકેશન આપવું જરૂરી હોય, તો પણ ‘Allow only while using the app’ નો વિકલ્પ પસંદ કરો. આનાથી એપ બેકગ્રાઉન્ડમાં તમારું લોકેશન ટ્રેક કરી શકશે નહીં.
3. જાહેરાતો માટે થતી ટ્રેકિંગ બંધ કરો
કોઈ સાઈટ પર જોયેલી વસ્તુઓની જાહેરાતો અન્ય એપ્સમાં પણ દેખાવા પાછળ ‘એડ પ્રાઈવસી સેટિંગ’ જવાબદાર હોય છે.
-
Android માં: Settings > Google > All Services > Ads માં જઈને ‘Ad Privacy’ વિકલ્પો બંધ કરી શકાય છે.
-
iPhone માં: Settings > Privacy & Security > Tracking માં જઈને એપ્સની ટ્રેકિંગ પરમિશન બંધ કરી શકો છો.
4. માઈક્રોફોન અને કેમેરા એક્સેસ રિવ્યૂ કરો
વીડિયો કોલિંગ એપને કેમેરા કે માઈક્રોફોનની જરૂર પડે તે સમજી શકાય છે, પરંતુ જો કોઈ ગેમ કે નોટ્સ બનાવતી એપ પણ આ એક્સેસ માંગતી હોય તો તેની પરમિશન રદ કરો. એન્ડ્રોઈડનું ‘Privacy Dashboard’ તમને બતાવે છે કે છેલ્લા ૨૪ કલાકમાં કઈ એપ દ્વારા કેમેરા કે માઈક્રોફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
5. નિયરબાય ડિવાઈસીસ (Nearby Devices) પરમિશન
બ્લૂટૂથની મદદથી કેટલીક એપ્સ આસપાસના ઉપકરણોને સ્કેન કરતી હોય છે. સંશોધકોના મતે બ્લૂટૂથ અને વાઈ-ફાઈ સ્કેનિંગનો ઉપયોગ કેટલીકવાર લોકેશન ટ્રેકિંગ માટે થઈ શકે છે. તેથી જે એપને જરૂર ન હોય તેમાં આ પરમિશન બંધ રાખો.
6. બિનજરૂરી એપ્સ ડિલીટ કરો
ફોનમાં મહિનાઓથી વપરાયા વગર પડી રહેલી એપ્સ માત્ર સ્ટોરેજ જ નથી રોકતી, પરંતુ ડેટા શેરિંગનું જોખમ પણ વધારે છે. તેથી ન વપરાતી એપ્સને અનઈન્સ્ટોલ કરી દેવી વધુ હિતાવહ છે.
7. પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ‘ડેટા સેફ્ટી’ વાંચો
કોઈપણ નવી એપ ડાઉનલોડ કરતાં પહેલાં માત્ર રેટિંગ જોવાને બદલે પ્લે સ્ટોરમાં ‘Data Safety’ સેક્શન જરૂર વાંચો. ત્યાં એપ કયો ડેટા એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે તે સ્પષ્ટ લખેલું હોય છે.
8. ફોનનું સોફ્ટવેર હંમેશાં અપડેટ રાખો
દરેક સિસ્ટમ અપડેટ માત્ર નવા ફીચર્સ માટે નથી હોતું. તેમાં કંપનીઓ સુરક્ષા સુધારા (Security Patches) પણ આપે છે, જે હેકિંગ અને ડેટા લીક જેવા જોખમોથી તમારું રક્ષણ કરે છે.
9. ગૂગલ એકાઉન્ટની પ્રાઈવસી સેટિંગ્સ ચકાસો
માત્ર ફોનની સેટિંગ્સ પૂરતી નથી. તમારા Google Account માં જઈને Location History, Web & App Activity જેવી પ્રાઈવસી સેટિંગ્સ પણ ચેક કરો અને અણગમતી એક્ટિવિટીઝ ટ્રેકિંગ ઓફ કરી દો.
10. આંખ બંધ કરીને ‘Allow’ ન કરો
નવી એપ ખોલતી વખતે ઉતાવળમાં એક પછી એક પરમિશન સ્વીકારી લેવાની આદત બદલો. જો કોઈ એપ તેના કામ સિવાયની બીજી પરમિશન માંગે તો તેને ક્યારેય સ્વીકારશો નહીં.
આ પણ વાંચોઃ શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ, જસપ્રીત બુમરાહને મળી જગ્યા
આ પણ વાંચોઃ આજનું હવામાન: બંગાળની ખાડીમાં ડિપ્રેશનની અસર, ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદ થશે?
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












