ગુજરાતમાં SIR ને કારણે પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફેર થશે!
- ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે
- વર્તમાન ધારાસભ્ય સહિત રાજકીય પક્ષોમાં ચર્ચાનો માહોલ ગરમ થયો
- ગુજરાતમાં પણ 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશને પગલે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. ગુજરાતમાં પાતળી સરસાઇ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. આ કારણોસર વર્તમાન ધારાસભ્ય સહિત રાજકીય પક્ષોમાં ચર્ચાનો માહોલ ગરમ થયો છે.
ગુજરાતમાં પણ 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં પણ 50 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે. એકથી વઘુ સ્થળે નામ ધરાવતા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી હોવાની સંભાવના છે. જોકે, કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ મુજબ, હવે એકથી વધુ સ્થળે મતદાર યાદીમાં નામ હશે તો પોલીસ ફરિયાદ જ નહીં, જેલની સજાની જોગવાઇ છે. આ જોતાં હવે મતદારો પણ જાગૃત થયાં છે. સામે ચાલીને મતદારો પોતાના નામ એકથી વઘુ સ્થળે તો નથી તે મુદ્દે જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ જ નહીં, નામ પણ કમી કરાવી રહ્યાં છે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરાઇ છે કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા નિષ્પક્ષપણે કરવામાં આવે.
વિધાનસભામાં કેટલીય બેઠકો પર પાતળી સરસાઇથી હાર જીત થઈ હતી
વિધાનસભામાં કેટલીય બેઠકો પર પાતળી સરસાઇથી હાર જીત થઈ હતી. SIRની કાતર ફરશે તો આ બધીય બેઠકો પર મતોમાં મોટો ઉલટફેર થઇ શકે છે. તેનુ કારણ એ છે કે, ડબલિયા મતદારોની બાદબાકી થઇ જશે. મતદારો જ સામે ચાલીને મતદાર યાદીમાં બે સ્થળે નામ હોય તો કમી કરાવી રહ્યાં છે. જોકે, રાજકારણીઓના દબાણ છતાંય બુથ લેવલ અધિકારી અડગ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલનો ડબો રૂ. 2500ને પાર!












