શું રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવો જોઈએ? સુપ્રીમ કોર્ટે માગ્યો કેન્દ્ર સરકારનો જવાબ

નવી દિલ્હીઃ 29 ઓગસ્ટ, 2025: Supreme Court on Ram Setu: સુપ્રીમ કોર્ટે ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની રજૂઆત પર નિર્ણય લેવા માટે નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર કેન્દ્રને નોટિસ ફટકારી છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટે મોદી સરકારને નોટિસ ફટકારી છે. જેમાં, તેમણે ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક અને રાષ્ટ્રીય મહત્ત્વ જાહેર કરવાની માંગ કરતી તેમની રજૂઆત પર સમયસર નિર્ણય લેવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ નોટિસ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા અને GSI-ASI તરફથી રામ સેતનું સર્વેક્ષણ કરાવવાની માંગ પર છે. સુબ્રમણ્યમ સ્વામી ઈચ્છે છે કે, રામ સેતુને રાષ્ટ્રીય મહત્ત્વનું પ્રાચીન સ્મારક જાહેર કરવામાં આવ્યું. કોર્ટે સરકારને પૂછ્યું કે, આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે ‘રામ સેતુ’ મુદ્દા પર દાખલ કરાયેલી PIL પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી વતી વરિષ્ઠ વકીલ વિભા માખીજા હાજર થયા હતા. કારણ કે, સ્વામીને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે સરકાર રામ સેતુને દુરુપયોગ, પ્રદૂષણ અને અપવિત્રતાથી બચાવવા માટે બંધાયેલી છે. તેમના મતે, આ પુરાતત્વીય સ્થળ એવા લોકોની શ્રદ્ધા અને ભક્તિનો વિષય છે, જેઓ રામ સેતુને તીર્થસ્થાન માને છે.
રામ સેતુ સાથે જોડાયેલો કેસ શું છે?
એક અન્ય અરજીમાં, સ્વામીએ સેતુસમુદ્રમ શિપ ચેનલ પ્રોજેક્ટ માટે વૈકલ્પિક માર્ગ શોધવાની માંગ કરી છે, જેથી રામ સેતુને નુકસાન ન થાય. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ છે. આ પ્રોજેક્ટમાં, મન્નાર અને પાલ્ક સ્ટ્રેટને જોડવા માટે 83 કિમી લાંબી ચેનલ બનાવવાની હતી, જેના માટે મોટા પાયે ખોદકામ કરવાનું હતું. એવો આરોપ છે કે આ પ્રોજેક્ટ રામ સેતુને અસર કરશે.
કેવી રીતે આગળ વધ્યો આ કેસ?
જાન્યુઆરી 2023માં, કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય વારસાનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રામ સેતુને રાષ્ટ્રીય વારસાનો દરજ્જો આપવાની પ્રક્રિયા સંસ્કૃતિ મંત્રાલયમાં ચાલી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુબ્રમણ્યમ સ્વામીને મંત્રાલય સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાનું સૂચન કર્યું હતું. ત્યાર બાદ, અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. કોર્ટે સ્વામીને તેમના કેસ પર લેવાયેલા નિર્ણયથી અસંતુષ્ટ હોય તો કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતના કતારગામમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચોઃ ગુજરાત: પંચમહાલ જિલ્લામાં 6 દિવસથી અવિરત વરસાદ, 28 ગામોને એલર્ટ કરાયા












