મન્નતના રિનોવેશનનો રસ્તો સાફ, શાહરૂખ-ગૌરીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને તેમના મુંબઈના પ્રખ્યાત બંગલા મન્નતના રિનોવેશન મામલે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પર્યાવરણ સંબંધિત મંજૂરી (Coastal Regulation Zone – CRZ Clearance)ને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ હવે મન્નતમાં ચાલી રહેલા રિનોવેશન અને વિસ્તરણના કામ પર કોઈ કાનૂની અવરોધ રહ્યો નથી.
સુપ્રીમ કોર્ટે અરજી કેમ ફગાવી દીધી?
આ અરજી મુંબઈના સામાજિક કાર્યકર સંતોષ દૌંડકરે દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મન્નતના રિનોવેશન માટે આપવામાં આવેલી CRZ મંજૂરી નિયમો મુજબ નથી અને તેને રદ કરવી જોઈએ. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી અને અરજીને ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે અરજદારની અરજી અંગે શંકા વ્યક્ત કરતાં જણાવ્યું કે અરજી પાછળના હેતુ અંગે પણ સવાલો ઊભા થાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર આરોપોના આધારે વિકાસકાર્ય પર રોક લગાવી શકાય નહીં.
આ પહેલા સપ્ટેમ્બર 2025માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) પણ આ જ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી ચૂકી હતી. NGTએ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA) દ્વારા આપવામાં આવેલી મંજૂરીને યથાવત રાખી હતી. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી નથી.
ઉલ્લેખનીય છે કે ‘મન્નત’માં મોટા પાયે રિનોવેશન અને કેટલાક માળના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શાહરૂખ ખાન અને તેમનો પરિવાર અસ્થાયી નિવાસસ્થાને રહે છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રિનોવેશનનું કામ વધુ ઝડપથી આગળ વધવાની શક્યતા છે.












