સૌરભ દ્વિવેદીએ લલ્લનટોપમાંથી રાજીનામું આપી દીધું, જાણો હવે આગળ શું કરશે?

નવી દિલ્હી: લલ્લનટોપને એક મજબૂત મીડિયા બ્રાન્ડ તરીકે સ્થાપિત કરનારા સૌરભ દ્વિવેદીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈંડિયા ટુડે ગ્રુપમાં સંપાદકના જવાબદારી પણ છોડી દીધી છે. મેનેજમેન્ટે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે અને તેમના ભવિષ્ય માટે શુભકામના આપતા તેમને કાર્યમુક્ત કરી દીધા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરભ દ્વિવેદી હવે એક નવી મીડિયા પહેલની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં પોતાનું સ્વતંત્ર મીડિયા બ્રાન્ડ શરુ કરી શકે છે. પોતાના રાજીનામાની જાણકારી તેમણે ખુદ સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે, જે બાદ મીડિયા જગતમાં આ નિર્ણયને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.

સૌરભ દ્વિવેદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર લખ્યું છે કે, શુક્રિયા લલ્લનટોપ, પહચાન, સબક ઔર હૌસલે કે લિએ ઔર શુભકામનાઓ ભવિષ્ય કે લિયે. અપના સાથ યહાં સમાપ્ત હોતા હૈ. અધ્યયન અવકાશ ઔર ફિર આગે કે સંકલ્પ કી બાત કરુંગા, આપ સબને ભી બહુત સિખાયા. તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે યૂ હી આબાદ રહેગી દુનિયા, હમ ન હોંગે કોઈ હમસા હોગા, ધન્યવાદ માન પહચાન ઔર જ્ઞાન લિયે, એક અલ્પવિરામ બાદ નઈ યાત્રા કી તૈયારી.
એવી ચર્ચા છે કે સૌરભ દ્વિવેદી હવે ફિલ્મો અને ટીવીમાં કામ કરશે. તેમણે કેટલાય ઈન્ટરવ્યૂમાં ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે તેમણે હજુ સુધી આ અંગે જાણકારી નથી આપતી કે તેઓ આગળ મીડિયા ફિલ્ડમાં જ કામ કરશે કે પછી અન્ય ક્ષેત્રમાં જશે.

સૌરભ દ્વિવેદી ભારતીય પત્રકારત્વમાં એક અગ્રણી વ્યક્તિ છે. તેઓ હિન્દી ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ધ લલ્લનટોપના સ્થાપક સંપાદક હતા અને હાલમાં ઇન્ડિયા ટુડે હિન્દીના સંપાદક છે. તેઓ તેમના રાજકીય રિપોર્ટિંગ, લાંબા ઇન્ટરવ્યુ અને જાહેર ચર્ચાઓના તીક્ષ્ણ સંચાલન માટે જાણીતા છે.
સૌરભ દ્વિવેદીનો જન્મ 22 એપ્રિલ, 1983 ના રોજ ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના ચમરારી ગામમાં થયો હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ઓરાઈમાં મેળવ્યું અને ત્યારબાદ ડીવીસી કોલેજ, ઓરાઈમાંથી સ્નાતક થયા. ઉચ્ચ શિક્ષણ માટે, તેઓ નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે હિન્દી સાહિત્યમાં માસ્ટર્સ અને 1857ના બળવા પર એમફિલની ડિગ્રી મેળવી. બાદમાં તેમણે નવી દિલ્હીની ભારતીય માસ કોમ્યુનિકેશન સંસ્થામાં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.
તેમણે નવભારત ટાઈમ્સથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી દૈનિક ભાસ્કરમાં ન્યૂઝ એડિટર તરીકે કામ કર્યું. 2013 માં, તેઓ ઈન્ડિયા ટુડે ગ્રુપમાં જોડાયા અને 2016 માં હિન્દી ડિજિટલ પ્લેટફોર્મ ધ લલ્લનટોપ શરૂ કર્યું. તેમણે ધ લલ્લનટોપ શો, નેતાનગરી, દુનિયાદારી અને ગેસ્ટ ઇન ધ ન્યૂઝરૂમ જેવા લોકપ્રિય કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ સાથે હેવાનિયત: વિધવા મહિલા સાથે રેપ બાદ ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા












