‘હવે બધું જ મોંઘું થઈ જશે’, ગેસ સિલિન્ડરના ભાવ વધતા સંજય રાઉતે સરકાર પર કટાક્ષ કર્યો

Sanjay Raut: શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે દેશમાં વધી રહેલી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના વધેલા ભાવને લઈને સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પૂરી થતાં જ હવે બધું મોંઘું થવાનું શરૂ થયું છે. તેમના મુજબ, મતદાન થાય ત્યાં સુધી બધું ઠીક રહે છે. હવે મતદાન પૂરું થઈ ગયું છે એટલે LPG મોંઘું થઈ ગયું છે. મુસાફરી પણ મોંઘી થઈ જશે.
રાઉતે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં પરિવહન અને હવાઈ મુસાફરીના ખર્ચમાં પણ વધારો થશે. તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે આ મુદ્દે વડાપ્રધાન કહેશે કે આ તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે છે, દેશમાં બધું ઠીક છે. તેમણે એ પણ પ્રશ્ન કર્યો કે જો દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો છે, તો તે ક્યાં છે?
બંગાળમાં ફરી મતદાન મુદ્દે શું કહ્યું?
પશ્ચિમ બંગાળના કેટલાક મતદાન મથકો પર EVMમાં ગડબડીને કારણે ફરી મતદાન થઈ રહ્યું છે. આ બાબતે રાઉતે કહ્યું કે આવી ગડબડી દેશના અન્ય રાજ્યોમાં પણ થઈ છે, જેમ કે મહારાષ્ટ્ર અને આસામમાં. પરંતુ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સતર્ક હોવાથી ફરી મતદાન શક્ય બન્યું છે. તેમણે આગળ કહ્યું કે મમતા બેનર્જી અને તેમની પાર્ટી ચૂંટણી પંચના ભ્રષ્ટ વ્યવહારો સામે સંઘર્ષ કરી રહ્યા છે, તેથી તેમને ફરી મતદાન કરવું પડી રહ્યું છે.
સુપ્રિયા સુલેના ટ્રાફિકમાં ફસાયા પર શું કહ્યું?
મહારાષ્ટ્ર દિવસના કાર્યક્રમ દરમિયાન સાંસદ સુપ્રિયા સુલે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. આ મુદ્દે રાઉતે કહ્યું કે માત્ર એક સાંસદ નહીં, પરંતુ હજારો લોકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. તેમણે સરકાર પર દેખાડો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પ્રશાસન લોકોની સુવિધા કરતાં ચમચાગીરીમાં વ્યસ્ત છે.
તેમણે કહ્યું, “આવા કાર્યક્રમો સાદગીથી કરો. લોકોને ખબર હોય છે કે આયોજન કોણે કર્યું છે, તેથી વધારે દેખાવ કરવાની જરૂર નથી. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે તેઓ સ્વાતંત્ર્ય સંગ્રામ કે મહારાષ્ટ્રના સંઘર્ષોમાં નહોતા, છતાં તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: શું તમારા મોબાઈલ પર પણ આવ્યું એલર્ટ ? તો ગભરાશો નહીં સરકાર ચેક કરી રહી છે ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ












