ટ્રેન્ડિંગનેશનલ

પત્નીએ પ્રેમી સાથે મળી પતિના ટુકડા કર્યા, હાથ પરના ટેટૂએ ખોલી પોલ

ઉત્તર પ્રદેશઃ 23 ડિસેમ્બર, 2025: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક હચમચાવી દેતો હત્યાકાંડ સામે આવ્યો છે. ગરનાળાની કિનારેથી મળેલા માનવ શરીરના ટુકડાઓની તપાસમાં એક એવું ખૌફનાક કાવતરૂ બહાર આવ્યું છે, જેણે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે. આ કેસની સરખામણી હવે કુખ્યાત ‘મેરઠના મુસ્કાન’ કેસ સાથે કરવામાં આવી રહી છે.

ગરનાળાના કિનારે મળ્યા ટુકડા

ચંદૌસી વિસ્તારમાં એક ગરનાળા પાસે પોલીસને એક ટી-શર્ટ, માથું કપાયેલી લાશ અને કપાયેલા હાથ-પગ મળ્યા હતા. લાશની હાલત એટલી ખરાબ હતી કે તેને ઓળખવી મુશ્કેલ હતી. પરંતુ, તપાસ દરમિયાન મળેલા એક કપાયેલા હાથ પર રાહુલ નામનું ટેટૂ આ કેસનો સૌથી મોટો પુરાવો સાબિત થયો.

પત્નીની જૂઠ્ઠી વાર્તા અને મોબાઈલના પુરાવા

રાહુલની પત્ની રૂબીએ 24 નવેમ્બરે તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે લાશની ઓળખ માટે રૂબીને બોલાવી, ત્યારે તેણે લાશ ઓળખવાનો ઈન્કાર કરી દીધો. આ વાતથી પોલીસને શંકા ગઈ. પોલીસે રૂબીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં રાહુલના જીવતા હોવાના ફોટા મળ્યા. આ ફોટામાં રાહુલે એ જ ટી-શર્ટ પહેર્યું હતું જે લાશ પાસેથી મળ્યું હતું અને તેના હાથ પર એ જ ટેટૂ પણ દેખાતું હતું.

બેવફાઈ અને લોહિયાળ ખેલ

સંભલ એસપી કૃષ્ણ બિશ્નોઈના જણાવ્યા મુજબ, રૂબીને તેના જ મહોલ્લામાં રહેતા ગૌરવ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.18-19 નવેમ્બરની રાત્રે જ્યારે રાહુલ ઘરે નહોતો, ત્યારે રૂબીએ ગૌરવને ઘરે બોલાવ્યો. આ દરમિયાન રાહુલ અચાનક ઘરે આવી ગયો અને બંનેને વાંધાજનક હાલતમાં જોઈ ગયો. રાહુલે રૂબીને માર માર્યો અને બદનામ કરવાની ધમકી આપી. આથી ગુસ્સે ભરાયેલી રૂબીએ પ્રેમી ગૌરવ સાથે મળીને લોખંડના રોડથી હુમલો કરી રાહુલની હત્યા કરી નાખી.

હત્યાના બીજા દિવસે તેઓ બજારમાંથી કટર મશીન લાવ્યા અને ઘરની અંદર જ રાહુલની લાશના ટુકડા કર્યા. પુરાવા ભૂંસવા માટે માથું અને અન્ય અંગો બુલંદશહેર પાસે ગંગા નદીમાં ફેંકી દીધા.

પોલીસની કાર્યવાહી

હત્યાના 6 દિવસ બાદ રૂબીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ગુમ થવાની ફરિયાદ કરી હતી. હાલ પોલીસે રૂબી અને ગૌરવની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી હત્યામાં વપરાયેલ કટર મશીન,  હથોડી અને લોખંડનો રોડ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

રાહુલનું માથું અને અન્ય અંગો શોધવા માટે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. એક પત્નીની બેવફાઈએ એક હસતા-રમતા પરિવારનો કરુણ અંત આણી દીધો.

 

Back to top button