સતત ત્રણ મેચમાંથી બહાર પંત, 19 નવેમ્બરની ટેસ્ટમાં રમશે કે નહીં?
Rishabh Pant: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ કરી રહેલી ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વિકેટકીપર બેટર ઋષભ પંતની મેદાન પર વાપસીમાં હજુ વિલંબ થઈ શકે છે. સાઇડ સ્ટ્રેનની ઈજાથી પરેશાન પંત ન્યૂઝીલેન્ડ-A સામે રમાનારી ત્રીજી અને છેલ્લી અનઑફિશિયલ ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે. સાવચેતીના ભાગરૂપે તેમને આ મેચમાં ન ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં 19 નવેમ્બરથી શરૂ થનારી ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ તેમના રમવા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. (Rishabh Pant)
ઋષભ પંત આ પહેલાં ન્યૂઝીલેન્ડ-A સામેની શરૂઆતની બંને મેચમાંથી પણ બહાર રહ્યા હતા. ઈરાની કપ દરમિયાન તેમને સાઇડ સ્ટ્રેનની સમસ્યા થઈ હતી, ત્યારથી તેઓ ક્રિકેટના મેદાનથી દૂર છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે ત્યારે પંતની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બની છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઋષભ પંતની વાપસી પર સૌની નજર
BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, પંતને સાવચેતીના ભાગરૂપે ન્યૂઝીલેન્ડ-A સામેની ત્રીજી અનઑફિશિયલ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જોકે, તેમણે નેટ્સમાં સ્કિલ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને હાલમાં તેમને કોઈ પ્રકારનો દુખાવો પણ અનુભવાતો નથી. તેમ છતાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેમની વાપસી માટે હજુ સુધી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. પંત માટે ન્યૂઝીલેન્ડ-A સામેની આ મેચો ટેસ્ટ શ્રેણીની તૈયારીના દૃષ્ટિકોણથી ઘણી મહત્ત્વપૂર્ણ હતી. આ મેચો દ્વારા તેમને લાંબા ફોર્મેટમાં પોતાની લય અને મેચ ફિટનેસ પાછી મેળવવાની તક મળી શકતી હતી. પરંતુ સતત ત્રણ મેચમાંથી બહાર રહેવાને કારણે હવે ટેસ્ટ શ્રેણી પહેલાં તેમની પાસે પ્રેક્ટિસ માટે ઘણો ઓછો સમય બચ્યો છે.
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડમાં ભારતની જીતની હેટ્રિક, ફરી રચ્યો ઐતિહાસિક રેકોર્ડ
19 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 નવેમ્બરથી વેલિંગ્ટનમાં રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની નજર પંતની ફિટનેસ પર રહેશે. તેમની વાપસી ક્યારે થશે તે અંગે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત હવે ભારતીય ટીમ માટે માત્ર ટેસ્ટ ફોર્મેટમાં જ રમી રહ્યા છે. તેઓ અગાઉ જ મર્યાદિત ઓવરની ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટમાં તેમની ઉપલબ્ધતા ભારતીય ટીમ માટે ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.












