ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

350+ વિકેટ, 4000+ રન… રવીન્દ્ર જાડેજાએ કપિલ દેવના ખાસ ક્લબમાં કરી એન્ટ્રી

Ravindra Jadeja: ગાલ (Galle) ટેસ્ટના ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ માત્ર 350 ટેસ્ટ વિકેટનો આંકડો જ નથી સ્પર્શ્યો, પરંતુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ એક અત્યંત ખાસ ક્લબમાં નોંધાવી દીધું છે. જાડેજા હવે 4000 થી વધુ ટેસ્ટ રન અને 350 થી વધુ વિકેટ લેનારા માત્ર બીજા ભારતીય બની ગયા છે. તેમના પહેલા આ કારનામું માત્ર મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે કર્યું હતું.

વિશ્વના માત્ર 4 ક્રિકેટરો પાસે આ રેકોર્ડ

350 ટેસ્ટ વિકેટ પૂરી થતાં જ જાડેજાનું નામ કપિલ દેવની સાથે એ ખાસ યાદીમાં જોડાઈ ગયું છે, જેમાં વિશ્વના માત્ર ચાર ક્રિકેટરો સામેલ છે:
  • કપિલ દેવ (ભારત): 5248 રન અને 434 વિકેટ
  • ઇયાન બોથમ (ઇંગ્લેન્ડ): 5200 રન અને 383 વિકેટ
  • ડેનિયલ વિટોરી (ન્યૂઝીલેન્ડ): 4531 રન અને 362 વિકેટ
  • રવીન્દ્ર જાડેજા (ભારત): 4108 રન અને 351 વિકેટ

350 વિકેટ લેનાર માત્ર પાંચમો ભારતીય

જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 350 કે તેથી વધુ વિકેટ ઝડપનારા માત્ર 5મા ભારતીય બન્યા છે. તેમના પહેલાં અનિલ કુંબલે (619), રવિચંદ્રન અશ્વિન (537), કપિલ દેવ (434) અને હરભજન સિંહ (417) આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે બાકીના ચાર ખેલાડીઓ શુદ્ધ બોલર રહ્યા છે, જ્યારે જાડેજાએ ઓલરાઉન્ડર તરીકે આ સિદ્ધિ મેળવી છે.

ડાબા હાથના સ્પિનરોમાં ટોપ-3 માં સ્થાન

351 વિકેટ સાથે જાડેજા હવે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા ડાબા હાથના સ્પિનરોમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. શ્રીલંકાના રંગના હેરાથ (433 વિકેટ) પ્રથમ અને ડેનિયલ વિટોરી (362 વિકેટ) બીજા સ્થાને છે. જાડેજા હવે વિટોરીથી માત્ર 11 વિકેટ પાછળ છે.
ઓછામાં ઓછી 125 ટેસ્ટ વિકેટ લેનારા ડાબા હાથના સ્પિનરોમાં જાડેજાનો સ્ટ્રાઇક રેટ 58.0 છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર રન રોકનાર નહીં પરંતુ ઝડપથી વિકેટ ઝડપનારા પ્રભાવશાળી બોલર છે.

શ્રીલંકા સામે ભારતે મેળવી મજબૂત લીડ

શ્રીલંકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને પ્રથમ ઇનિંગ્સમાં 178 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. રવીન્દ્ર જાડેજાએ 21 ઓવરમાં 57 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે માનવ સુથારે 76 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

Back to top button