અમદાવાદ: લાખો રુપિયાના કોપર કેબલ ચોરતી ગેંગના 4 આરોપી ઝડપાયા

અમદાવાદ: અમદાવાદના વાસણા વિસ્તારમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓનો સ્વાંગ રચીને BSNLના અંડરગ્રાઉન્ડ ડક્ટમાંથી અંદાજે ₹7 લાખની કિંમતના કોપર કેબલની ચોરી કરતી ટોળકીનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ફરાર સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
AMCના રેડિયમ જેકેટ પહેરી પહોંચ્યા આરોપીઓ
મળતી માહિતી મુજબ, 15 ઓગસ્ટની મોડી રાત્રે કેટલાક શખ્સો વાસણા વિસ્તારમાં AMCના કર્મચારીઓ જેવા રેડિયમ જેકેટ પહેરીને જરૂરી સાધનો સાથે પહોંચ્યા હતા. આરોપીઓએ પોતાની ઓળખ AMCના કર્મચારીઓ તરીકે આપી હતી અને ત્યાં હાજર BSNLના સિક્યોરિટી ગાર્ડને એક તરફ બેસાડી દીધો હોવાનો આરોપ છે.
ત્યારબાદ ટોળકીના સભ્યોએ ક્રેનની મદદથી BSNLના અંડરગ્રાઉન્ડ ડક્ટ ખોલવાનું શરૂ કર્યું હતું.
કોઈને શંકા ન જાય તે માટે રચ્યો હતો આખો પ્લાન
આરોપીઓએ આસપાસના લોકો અને વાહનચાલકોને સહેજ પણ શંકા ન જાય તે માટે ખાસ પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેઓએ AMC કર્મચારીઓ જેવા રેડિયમ જેકેટ પહેર્યા હતા તેમજ નાઇટ લાઇટ્સ અને અન્ય સાધનો સાથે રાખ્યા હતા.
રોડ પર જાણે ટ્રાફિક મેનેજમેન્ટ કે મ્યુનિસિપલ કામગીરી ચાલી રહી હોય તેવો દેખાવ કરવામાં આવ્યો હતો. આ તકનો લાભ લઈ ક્રેનની મદદથી ડક્ટ ખોલીને અંદાજે ₹7 લાખની કિંમતનો કોપર વાયર કાઢી લેવામાં આવ્યો હોવાનો આરોપ છે.
BSNL સ્ટાફને શંકા જતાં આખું ભાંડો ફૂટ્યું
BSNLના સ્ટાફને મોડી રાત્રે ચાલી રહેલી કામગીરી અંગે શંકા ગઈ હતી. ત્યારબાદ સ્ટાફના સભ્યોએ સ્થળ પર પહોંચી દૂરથી વોચ ગોઠવી હતી અને સમગ્ર મામલે વાસણા પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસની ગાડી જોઈ કેટલાક શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સ્થળને કોર્ડન કરીને ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.
ચાર આરોપીઓની ધરપકડ
પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જિતેષ યાદવ અને રાહુલ ભરવાડ નામના ચાર શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર ચોરીમાં અન્ય કેટલા લોકો સામેલ હતા અને ફરાર આરોપીઓ ક્યાં છુપાયેલા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ પણ આવી રીતે ચોરી કરી છે કે કેમ તેની તપાસ
પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ AMC અથવા અન્ય સરકારી વિભાગના કર્મચારીઓનો સ્વાંગ રચીને આવી જ રીતે ચોરી આચરી છે કે કેમ.
ચોરી માટે ક્રેન અને અન્ય સાધનો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, કોપર કેબલ કોને વેચવાના હતા અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ: ડુમસની લક્ઝરી બિલ્ડિંગમાંથી છ કાપડ વેપારીની ધરપકડ












