
Rajkot murder case: રાજકોટ શહેરમાં ધંધાકીય અદાવતને લઈને થયેલો હુમલો હવે હત્યાના કેસમાં પલટાયો છે. શહેરના દૂધ સાગર રોડ વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં ફોટોફ્રેમના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન અને તેના કાકા પર કરાયેલા જીવલેણ હુમલામાં ભત્રીજા ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે થોરાળા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ધંધાના જૂના મનદુઃખ અને ગ્રાહકો તોડવાના મામલે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં એક જૂથ દ્વારા કાકા-ભત્રીજા સહિત અન્ય લોકો પર છરી અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો.
ધંધાના વિવાદે લીધો હિંસક વળાંક
મળતી માહિતી મુજબ રાજકોટના શિવાજીનગર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દેવજીભાઈ જાદવ અને તેમના ભાઈ ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવ ફોટોફ્રેમનો વ્યવસાય કરતા હતા. આ દરમિયાન અનિલ નામનો વ્યક્તિ અગાઉ તેમના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. જોકે, બાદમાં તેણે પોતાનો અલગ વ્યવસાય શરૂ કર્યો હતો.
આરોપ છે કે અનિલે અલગ ધંધો શરૂ કર્યા બાદ રાહુલભાઈના ચાલુ વ્યવસાયના ગ્રાહકો અને પેઢીઓને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ગોપાલે અનિલને અગાઉ ઠપકો આપ્યો હતો. આ જ બાબતનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અચાનક હુમલો કરી દીધો
ઘટનાના દિવસે રાહુલભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના મિત્ર મનિષનો ફોન આવ્યો હતો કે અનિલના ઘર પાસે તેમના ભાઈ ગોપાલ સાથે ઝઘડો ચાલી રહ્યો છે. માહિતી મળતા જ રાહુલભાઈ, તેમના કાકા વિજયભાઈ અને પરિવારના અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ત્યાં પહોંચતા તેમણે જોયું કે અનિલ, તેનો ભાઈ સુનિલ, પિતા રમેશભાઈ, માતા હંસાબેન અને કાકા ભાવેશભાઈ ગોપાલ અને તેના મિત્ર ભરત સાથે બોલાચાલી કરી રહ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તમામે ભેગા મળી હુમલો કરી દીધો હતો.
ગોપાલના પેટમાં છરીનો ઘા માર્યો
ફરિયાદ મુજબ હુમલા દરમિયાન સુનિલે પોતાની પાસે રહેલી છરી કાઢીને ગોપાલ પર હુમલો કર્યો હતો. છરીનો ઘા ગોપાલના પેટના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર પડી ગયો હતો. ભત્રીજાને બચાવવા માટે વચ્ચે પડેલા કાકા વિજયભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ તેમના પર પણ છરી વડે વાર કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત ભરત નામના વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓએ ઝઘડા દરમિયાન મદદ કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોપાલનું મોત
હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગોપાલ અને તેના કાકા વિજયભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોપાલની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તબીબોએ તેનું તાત્કાલિક ઓપરેશન કર્યું હતું અને તેને ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવનું મોત નીપજ્યું હતું. ગોપાલના મોત બાદ સમગ્ર બનાવ હત્યાના ગુનામાં ફેરવાયો હતો.
પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો
આ મામલે શરૂઆતમાં થોરાળા પોલીસે હુમલો અને હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ ગોપાલનું મોત થતાં પોલીસે આરોપીઓ અનિલ, સુનિલ, રમેશભાઈ, હંસાબેન અને ભાવેશભાઈ વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની ભૂમિકા, ઘટનાક્રમ અને હુમલાના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પરિવાર પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ
હત્યાનો ભોગ બનેલો ગોપાલ જાદવ પરિવારનો મોટો દીકરો હતો. પરિવારમાં બે ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે. ગોપાલને એક દીકરો અને એક દીકરી હોવાનું પણ સામે આવ્યું છે. ધંધાના વિવાદે એક પરિવારનો આધાર છીનવી લેતા વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો: મોરબીમાં મધરાતે હત્યાકાંડ, પ્રેમ પ્રકરણની શંકામાં 20 વર્ષીય યુવતીની હત્યા












