રાજકોટ: રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહ કેરાલાથી ઝડપાયો, હવે થશે ખુલાસા

- પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી
- વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરાલાથી ઝડપી લીધો
- ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી
રાજકોટમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેરાલાથી ઝડપી લીધો છે. તેને ગુજરાત લઈ આવવા તૈયારીઓ થઈ રહી છે. રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી.
ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી
ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાનું કબુલી લીધું હતું. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજયોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જો કે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી.
એસએમસીની ટીમ ગુજરાત લઈ આવવા તજવીજ કરી રહ્યાનું પણ જણાવ્યું
ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિકસિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી. આખરે અઠવાડિયા પહેલા રાજયના પોલીસ વડાએ પોતાના સીધા અંકુશ હેઠળની એસએમસીની ટીમને પણ કામે લગાડી હતી. બીજા રાજયોમાં તપાસના અંતે એસએમસીની ટીમે તેને કેરાલાથી ઝડપી લીધો હતો. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયે તેની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં તેને એસએમસીની ટીમ ગુજરાત લઈ આવવા તજવીજ કરી રહ્યાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં મિનિ વેકેશન પડશે, બહાર ફરવા જવાનો પ્લાન હોય તો આ સમાચાર ખાસ વાંચો












