ગુજરાતટોપ ન્યૂઝ

દિવ્ય દરબારમાં માનસિક દર્દીઓની સારવારનો દાવો, વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા સવાલ

Rajkot Divya Darbar Controversy: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5 થી 7 જૂન દરમિયાન યોજાયેલી સનાતન હનુમંત કથા અને દિવ્ય દરબારને લઈને વિવાદ ઊભો થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાએ કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) અને કાર્યક્રમના આયોજકો સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. જાથાનો આક્ષેપ છે કે કથાના નામે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને માનસિક દર્દીઓ સાથે અવૈજ્ઞાનિક પ્રયોગો કરીને તેમની જિંદગી સાથે ખિલવાડ કરવામાં આવ્યો.

જાથાના જણાવ્યા મુજબ હનુમંત કથાના બે દિવસ દરમિયાન ધાર્મિક પ્રવચનો કરતાં વધુ હિન્દુ રાષ્ટ્ર, લવ જેહાદ અને ચાદર જેવા વિવાદાસ્પદ મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ પ્રકારની વાતો સમાજમાં ભાઈચારાને નુકસાન પહોંચાડે છે અને લોકોમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ સમાન હોવાનું જાથાએ જણાવ્યું છે.

માનસિક દર્દીઓના ‘ઉપચાર’ સામે વાંધો

કાર્યક્રમના અંતિમ દિવસે યોજાયેલા દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં માનસિક સમસ્યાઓ ધરાવતા લોકો હાજર રહ્યા હતા. જાથાનો આરોપ છે કે આવા દર્દીઓને તાત્કાલિક તબીબી સારવાર તરફ દોરવાના બદલે હનુમાન ચાલીસાના પાઠ દ્વારા રાહત મળવાની વાતો કરવામાં આવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિ દર્દીઓ માટે નુકસાનકારક બની શકે છે અને યોગ્ય સારવારમાં વિલંબ કરાવી શકે છે. વિજ્ઞાન જાથાના મતે માનસિક રોગોનો ઉપચાર તબીબી વિજ્ઞાન અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવો જોઈએ. દર્દીઓને ધાર્મિક કે ચમત્કારિક ઉપચારના ભરોસે રાખવું માનવ જીવન સાથેનો ગંભીર ખિલવાડ ગણાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જાહેરનામાના ભંગનો પણ આરોપ

જાથાએ કાર્યક્રમના આયોજકો પર જાહેરનામાના ભંગનો પણ આરોપ લગાવ્યો છે. તેમના કહેવા મુજબ કાર્યક્રમને રાત્રે 10 વાગ્યા સુધી જ માઇક અને જાહેર સભાની મંજૂરી આપવામાં આવી હતી, છતાં મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ મામલે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

‘દરબાર માત્ર નાટક, ચમત્કાર નહીં’

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા એ જણાવ્યું હતું કે દિવ્ય દરબારમાં લોકોના નામ, પ્રશ્નો અને વિગતો અગાઉથી એકત્રિત કરવામાં આવતી હોવાની શંકા છે. તેમના મતે દરબારમાં ચિઠ્ઠીઓ અને પર્ચીઓના આધારે જે ‘ચમત્કાર’ બતાવવામાં આવે છે તે પૂર્વનિયોજિત પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. જયંત પંડયાએ વધુમાં દાવો કર્યો કે જો બાબા બાગેશ્વર ખરેખર પોતાની દિવ્ય શક્તિઓ સાબિત કરી શકે તો તેઓ વિજ્ઞાન જાથાના મંચ પર આવી જાહેર પરીક્ષણમાં ભાગ લે અને એક કરોડ રૂપિયાના પડકારનો સ્વીકાર કરે.

ફંડ એકત્ર કરવાની રીત પર પણ સવાલ

જાથાએ બાબા બાગેશ્વરના આશ્રમ માટે દેશભરમાંથી એકત્ર થતા દાન અને ફંડ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ હોસ્પિટલ, અન્નપૂર્ણા રસોઈ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓના નામે વારંવાર દાનની અપીલ કરવામાં આવે છે. સાથે જ શ્રદ્ધાળુઓને ઇચ્છિત ફળ મેળવવા માટે આશ્રમ સાથે જોડાવાની પ્રેરણા આપવામાં આવતી હોવાનું પણ તેમણે જણાવ્યું.

કાયદાકીય કાર્યવાહી માટે રજૂઆત

વિજ્ઞાન જાથાએ રાજ્યના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, પોલીસ વડા, ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ જિલ્લા અદાલત સહિત વિવિધ સત્તાધિકારીઓને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. જાથાના જણાવ્યા મુજબ આ સમગ્ર મામલો ભારતીય બંધારણની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાની જોગવાઈઓ અને ગુજરાત માનવ બલિ અને અન્ય અમાનવીય અનિષ્ઠ તથા અઘોરી પ્રથા નિવારણ અધિનિયમ 2024 હેઠળ તપાસને પાત્ર બની શકે છે.

વિવાદ વધુ ઘેરાવાની શક્યતા

રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબાર બાદ હવે ધાર્મિક આસ્થા અને વૈજ્ઞાનિક વિચારધારા વચ્ચેની ચર્ચા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. એક તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બાગેશ્વરના સમર્થનમાં જોવા મળે છે, જ્યારે બીજી તરફ વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિઓને અંધશ્રદ્ધા અને છેતરપિંડી ગણાવી રહી છે. હવે પોલીસ અને વહીવટી તંત્ર આ રજૂઆતો પર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: VIDEO: દિલ્હી એરપોર્ટ પર વાવાઝોડાનું તાંડવ: રમકડાંની જેમ સરકતી સીડી વિમાનો સાથે અથડાઈ, કરોડોનું નુકસાન

 

Back to top button