ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL માં સુપરહિટ, ટીમ ઈન્ડિયામાં ફિટ નહીં! RCB ના કેપ્ટન રજત પાટીદારની અવગણના પર ઉઠ્યા સવાલ

Rajat Patidar Dropped: IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને પોતાની શાનદાર કેપ્ટનશીપ હેઠળ સતત બીજી વખત ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને એશિયન ગેમ્સ 2026 માટે જાહેર કરાયેલી ભારતીય ટી20 ટીમમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યો છે. IPLની આ સીઝનમાં કેપ્ટનશીપની સાથે-સાથે બેટિંગમાં પણ તેનું પ્રદર્શન અત્યંત ધમાકેદાર રહ્યું હતું, તેમ છતાં પસંદગીકારોએ તેને ટીમમાં સામેલ ન કરતાં ક્રિકેટ જગતમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

BCCIની પસંદગી સમિતિએ આ ટી20 ટીમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ખરાબ IPL સીઝન બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દેવાયો છે અને તેની જગ્યાએ શ્રેયસ અય્યરને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ 15 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત ભારતીય સિનિયર ટીમમાં મોટો મોકો મળ્યો છે.

પાટીદારના સિલેક્શન ન થવા પર મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનું નિવેદન

ટીમમાં રજત પાટીદારની બાદબાકીને લઈને થઈ રહેલી ચર્ચા વચ્ચે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સ્પષ્ટતા કરી છે. અગરકરે જણાવ્યું કે, “ભારતીય ક્રિકેટમાં ટેલેન્ટની કોઈ કમી નથી. સિલેક્શન મીટિંગ દરમિયાન રજત પાટીદાર સહિત ઘણા ખેલાડીઓના નામ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, પરંતુ ટીમમાં મર્યાદિત જગ્યા હોવાના કારણે દરેક ખેલાડીને તક આપવી શક્ય નથી હોતી.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે પસંદ કરાયેલી ટીમ સંપૂર્ણપણે સંતુલિત છે અને ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને જ આ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે.

બીજી તરફ, બીસીસીઆઈ (BCCI) ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, “ભારત પાસે વ્હાઇટ બોલ ક્રિકેટ માટે ખેલાડીઓનો એક બહુ મોટો પૂલ ઉપલબ્ધ છે. થોડા વર્ષો પહેલા એવી સ્થિતિ પણ હતી જ્યારે ભારતની અલગ-અલગ ટીમો એક જ સમયે જુદા-જુદા દેશોમાં રમી રહી હતી. પસંદગીકારોનું કામ બિલકુલ સરળ નથી હોતું, કારણ કે દરેક વ્યક્તિને ખુશ રાખવા શક્ય નથી.” દેવજીતે વધુમાં ઉમેર્યું કે ટીમ સિલેક્શનને લઈને હંમેશા વિવાદો અને ચર્ચાઓ ચાલતી જ રહેશે, પરંતુ પસંદગીકારોએ તાજેતરના પ્રદર્શનના આધારે શ્રેષ્ઠ કામ કર્યું છે.

IPL 2026 માં રજત પાટીદારનું તોફાની પ્રદર્શન

રજત પાટીદારે તાજેતરમાં પૂરી થયેલી IPL સીઝનની 15 મેચોમાં 192.69 ના શાનદાર સ્ટ્રાઈક રેટથી કુલ 501 રન ફટકાર્યા હતા, જેમાં 42 ગગનચુંબી સિક્સર પણ સામેલ હતી. તેના આ વિસ્ફોટક પ્રદર્શન અને આરસીબીને ફરી એકવાર ટ્રોફી જીતાડવાના કારણે એવા મજબૂત અટકળો હતી કે તે ભારતીય ટી20 ટીમમાં નંબર 3 અથવા 4 પર રમતો જોવા મળશે, પરંતુ પસંદગીકારોએ તેના નામે કોઈ વિચારણા કરી નથી.

તિલક વર્મા નવો વાઇસ કેપ્ટન, હાર્દિક-બુમરાહને આરામ

નવી ટીમમાં યુવા બેટ્સમેન તિલક વર્માને વાઇસ કેપ્ટન (ઉપકેપ્ટન) બનાવવામાં આવ્યો છે. આ સિવાય નીતિશ કુમાર રેડ્ડી, રવિ બિશ્નોઈ અને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે, મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકુ સિંહ અને સ્પિનર કુલદીપ યાદવ આ વખતે ટીમમાં જગ્યા મેળવી શક્યા નથી. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પ્રમુખ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આગામી શ્રેણીઓ માટે આરામ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમેરિકાની ક્રૂડ ઓઇલ રિઝર્વમાં મોટો ઘટાડો, વૈશ્વિક બજારમાં ખળભળાટ

આ પણ વાંચોઃ અમેરિકાની ક્રૂડ ઓઇલ રિઝર્વમાં મોટો ઘટાડો, વૈશ્વિક બજારમાં ખળભળાટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button