ગોધરામાં ગેસ એજન્સી પર દરોડો: બેહિસાબી 17 કોમર્શિયલ સિલિન્ડર જપ્ત

Godhra news: પંચમહાલ જિલ્લામાં એલપીજી ગેસની અછત વચ્ચે સંગ્રહખોરી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. ગોધરામાં આવેલી ઘનશ્યામ ગેસ એજન્સી પર જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે આકસ્મિક દરોડો પાડતાં મોટી અનિયમિતતા સામે આવી છે. તપાસ દરમિયાન એજન્સીના ગોડાઉનમાંથી 17 જેટલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જે અંગે સંચાલક કોઈ યોગ્ય હિસાબ રજૂ કરી શક્યા નહોતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરતાં અંદાજે રૂ. 33,785 કિંમતનો ગેસનો જથ્થો સ્થળ પર જ સીઝ કરી લીધો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એજન્સી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગેસના જથ્થાની સંગ્રહખોરી અને ગેરવહીવટ અંગે અનેક ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે સમગ્ર જિલ્લામાં ખાસ તપાસ ઝુંબેશ શરૂ કરી છે.
તંત્રના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં અન્ય ગેસ એજન્સીઓ પર પણ અચાનક તપાસ હાથ ધરવામાં આવી શકે છે. ગેસના જથ્થાની ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.












