રાઘવ ચઢ્ઢાએ કેમ છોડી આમ આદમી પાર્ટી? વીડિયો જારી કરીને કહ્યું, ‘સાતેય સાંસદ ખોટા ના હોઈ શકે’

Raghav Chadha: આમ આદમી પાર્ટી (AAP) છોડવાના નિર્ણયને લઈને કેટલાક વર્તુળોમાં સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે રાઘવ ચઢ્ઢાનો નવો વીડિયો સામે આવ્યો છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે પહેલીવાર ખુલીને વાત કરી છે. સોમવારે વીડિયો જાહેર કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં અંદરનો માહોલ ખરાબ થઈ ગયો છે અને નેતાઓને કામ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે “એક કે બે વ્યક્તિ ખોટા હોઈ શકે, પરંતુ સાતેય નહીં.”
કેટલાક લોકો આ નિર્ણયનું કારણ જાણવા માંગતા હતા – રાઘવ ચઢ્ઢા
ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં તેમને અનેક સંદેશાઓ મળ્યા છે. તેમણે જણાવ્યું કે કેટલાક લોકોએ તેમને શુભેચ્છાઓ આપી છે, જ્યારે કેટલાક લોકો તેમના આ નિર્ણય પાછળનું કારણ જાણવા ઇચ્છી રહ્યા છે.
યુવાનીના 15 વર્ષ આપ્યા
ચઢ્ઢાએ જણાવ્યું કે તેમણે સફળ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની પોતાની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો અને આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય બન્યા. તેમણે કહ્યું કે પાર્ટીને ઉભી કરવા માટે તેમણે પોતાની યુવાનીના 15 વર્ષ સમર્પિત કર્યા.
હવે પાર્ટી પહેલા જેવી નથી રહી
તેમણે કહ્યું કે તેઓ રાજકારણમાં માત્ર કારકિર્દી બનાવવા માટે આવ્યા ન હતા. તેમણે જણાવ્યું કે તેમણે પાર્ટી માટે ઘણું પરિશ્રમ કર્યું છે અને પોતાનું સર્વસ્વ આપ્યું છે. ચઢ્ઢાએ આરોપ લગાવ્યો કે હવે પાર્ટી પહેલા જેવી રહી નથી અને અંદરનો માહોલ ખરાબ થઈ ગયો છે, જ્યાં નેતાઓને સંસદમાં કામ કરતા અને બોલતા અટકાવવામાં આવે છે.
આ પાર્ટી થોડા વ્યક્તિઓના હાથમાં ફસાઈ ગઈ છે
ચઢ્ઢાએ આરોપ લગાવ્યો કે, “આજે આ રાજકીય પાર્ટી થોડા ભ્રષ્ટ અને સમાધાનકારી વ્યક્તિઓના હાથમાં ફસાઈ ગઈ છે. તેઓ દેશ માટે નહીં, પરંતુ પોતાના અંગત લાભ માટે કામ કરે છે.” તેમના આરોપ પર આમ આદમી પાર્ટી (AAP) તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ખોટી પાર્ટીમાં સાચો વ્યક્તિ
રાજ્યસભા સભ્ય ચઢ્ઢાએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ “ખોટી પાર્ટીમાં સાચા વ્યક્તિ” છે. તેમણે જણાવ્યું કે તેમના પાસે હવે માત્ર ત્રણ વિકલ્પ બચ્યા હતા-રાજકારણ છોડવું, પાર્ટીમાં રહીને સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો અથવા પોતાની ઊર્જા અને અનુભવને બીજા કોઈ મંચ પર લઈ જઈને “સકારાત્મક રાજનીતિ” ચાલુ રાખવી.
નવા રાજકીય મંચ પર મુદ્દાઓ ઉઠાવશે
તેમણે કહ્યું કે તેમણે એકલા નહીં, પરંતુ અન્ય છ સાંસદો સાથે મળીને આ રાજકીય પાર્ટીથી સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢાએ જણાવ્યું કે જો લોકોને કામ કરવા દેવામાં ન આવે, તેમની મહેનત દબાવી દેવામાં આવે અને તેમને ચૂપ કરાવવામાં આવે, તો એવો માહોલ છોડવો જ યોગ્ય નિર્ણય છે. સાથે જ તેમણે કહ્યું કે તેઓ સામાન્ય નાગરિકોના મુદ્દાઓને વધુ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉઠાવતા રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે નવા રાજકીય મંચ પર તેઓ વધુ અસરકારક રીતે સમસ્યાઓના ઉકેલ શોધી અને તેને અમલમાં લાવી શકશે.
View this post on Instagram
આ પણ વાંચો: મુંબઈમાં ફૂડ પોઈઝનિંગનો કહેર: તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના 4 સભ્યોના મોત











