પુણેમાં હાઇ-પ્રોફાઇલ રેવ પાર્ટીમાં પોલીસના દરોડાઃ પૂર્વ મંત્રીના જમાઈ સહિત 7ની ધરપકડ, 2 મહિલા પણ સામેલ

મહારાષ્ટ્રઃ 27 જુલાઈ, 2025: Maharashtra Police Raid on Rave Party: મહારાષ્ટ્રના પુણેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરમાં પોલીસે એક ફ્લેટમાં ચાલી રહેલી કથિત ડ્રગ પાર્ટી પર દરોડા પાડી સાત લોકોની ધરપકડ કરી હતી. આ પાર્ટીમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર પણ સામેલ હતાં.
સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ, એક મહિલા ધારાસભ્યના પતિ પણ આ પાર્ટીમાં હોવાનો ખુલાસો થયો છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટીમાં દરોડા
પોલીસે જણાવ્યું હતું કે, પુણેના પૉશ વિસ્તાર ખરાડીમાં આવેલા એક સ્ટુડિયા એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળતાં રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યે રેવ પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
સાત લોકોની કરી ધરપકડ
પુણે પોલીસ ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) નિખિલ પિંગલેએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન 2.7 ગ્રામ કોકેઈન, 70 ગ્રામ ગાંજો, એક હુક્કા પૉટ, હુક્કા ફ્લેવર અને બીયર-દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે જે સાત લોકોની ધરપકડ થઈ છે, તેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાની, સમીર સૈયદ, શ્રીપદ યાદવ, ભોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્મા સામેલ છે. તમામ આરોપી પર એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
રાજકારણમાં આક્ષેપોનો વરસાદ
આ મામલે રાજકારણીઓના ઘરના લોકો સામેલ હોવાથી રાજકારણમાં આક્ષેપોનો વરસાદ શરૂ થયો છે. એનસીપી (શરદ પવાર)ના નેતા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમજ આ કાર્યવાહી રાજકીય ષડયંત્ર હેઠળ હાથ ધરાઈ છે કે કેમ તેની પણ જાણકારી મેળવવી જોઈએ. નોંધનીય છે, ખડસેના દિકરી રોહિણી ખડસે એનસીપી (એસપી)ના મહિલા મોર્ચના પ્રદેશ અધ્યક્ષ છે. જેમના પતિ પ્રાંજલની આ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કુહાડીથી હાથ કાપ્યા, કરોડરજ્જુ ભાંગી નાંખી…, ઓસ્ટ્રેલિયામાં ભારતના સૌરભ આનંદ પર કરાયો જીવલેણ હુમલો
આ પણ વાંચોઃ ભારતને ભારત કહો અને હવે તેને સોનાનું પક્ષી નહીં, સિંહ બનવાની જરૂર છે: મોહન ભાગવત












