Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

શું પ્રમોશન મળવું કર્મચારીનો મૌલિક અધિકાર છે? હાઇકોર્ટે આપ્યો જવાબ

નવી દિલ્હી: 31 ડિસેમ્બર, 2025: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સરકારી સેવાઓમાં પ્રમોશનને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ કર્મચારી માટે પ્રમોશન મેળવવું એ તેનો મૌલિક કે નિહિત અધિકાર નથી, માત્ર પ્રમોશન માટે તેના નામ પર ‘વિચારણા’ થવી એ જ તેનો અધિકાર છે.

શું હતો સમગ્ર વિવાદ?

પંજાબના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગમાં વર્ષ 1990થી ફરજ બજાવતા એક મહિલા અધિકારીએ આ અરજી કરી હતી. અરજદાર વર્ષ 2023 સુધી ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર તરીકે સેવા આપી રહ્યા હતા અને સિનિયર પોસ્ટ માટે પાત્ર બન્યા હતા. મહિલાએ નિવૃત્તિની વય 58 થી વધારીને 60 વર્ષ કરાવવા માટે દિવ્યાંગતાના લાભો માંગ્યા હતા. તેમણે પહેલા 41% કામચલાઉ બહેરાશનું પ્રમાણપત્ર આપ્યું અને બાદમાં 53% કાયમી દિવ્યાંગતા નું પ્રમાણપત્ર રજૂ કર્યું.

વિભાગીય તપાસ:

બે અલગ-અલગ પ્રમાણપત્રોને કારણે વિભાગને શંકા ગઈ. મેડિકલ બોર્ડની તપાસમાં તેમની દિવ્યાંગતા કામચલાઉ હોવાનું બહાર આવ્યું. આથી વિભાગે તેમનો દિવ્યાંગ તરીકેનો દાવો ફગાવી દીધો અને તેમને 58 વર્ષની વયે નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો. આ સાથે જ તેમને પ્રમોશન માટે પણ અયોગ્ય ગણવામાં આવ્યા.

હાઈકોર્ટનું અવલોકન

જસ્ટિસ નમિત કુમારની બેંચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, “કાયદા મુજબ, પદોન્નતિએ ન તો નિહિત અધિકાર છે કે ન તો મૌલિક અધિકાર. માત્ર પ્રમોશન માટે નામની વિચારણા થવી એ મૌલિક અધિકાર છે. વિભાગ દ્વારા અરજદારને સિનિયર ટાઉન પ્લાનર તરીકે પ્રમોટ ન કરવાનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય છે.”

અરજદારને મળેલી આંશિક રાહત

જોકે, કોર્ટે એક મુદ્દે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સેવા દરમિયાન મહિલાને સિનિયર ટાઉન પ્લાનરનો વધારાનો કાર્યભાર (Charge) સોંપવામાં આવ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે જે-તે સમયે તેમણે ઉચ્ચ પદની જવાબદારી નિભાવી હોવાથી, તે ગાળાના ભથ્થા અને ચૂકવણી મેળવવા માટે તેઓ હકદાર છે.

આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે શિસ્તભંગ અથવા દસ્તાવેજી વિસંગતતાના કિસ્સામાં પ્રમોશન રોકવાનો વિભાગનો નિર્ણય કાયદાકીય રીતે માન્ય છે.

 

Back to top button