બદલાઇ જશે પીએમ મોદીના કાર્યાલયનું એડ્રેસ અને નામ, જાણો PMOનું નવું એડ્રેસ શું છે?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી ઓફિસ બનીને તૈયાર છે અને હવે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શક્યતા છે કે આ જ મહિનામાં વડાપ્રધાન મોદી પોતાની નવી ઓફિસમાં શિફ્ટ થઈ જશે. પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને નવા સેવા તીર્થ સંકુલમાં એકસાથે રાખવામાં આવ્યા છે.
સેવા તીર્થ સંકુલ વિજય ચોક નજીક રાયસીના હિલની તળેટીમાં બનાવવામાં આવ્યું છે. તેમાં ત્રણ હાઇ-ટેક ઇમારતો છે: સેવા તીર્થ 1, સેવા તીર્થ 2 અને સેવા તીર્થ 3. પ્રધાનમંત્રી કાર્યાલય સેવા તીર્થ 1 માં હશે. કેબિનેટ સચિવાલય પહેલાથી જ સેવા તીર્થ 2 માં શિફ્ટ થઈ ચૂક્યું છે. સેવા તીર્થ 3 માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય હશે, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રહેશે.
આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. તેના હેઠળ નવું સંસદ ભવન અને ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ પહેલેથી તૈયાર થઈ ચૂક્યું છે. જ્યારે મંત્રાલયો માટે આઠ નવા કર્તવ્ય ભવન બનાવવાના છે, જેમાંથી ત્રણ તૈયાર થઈ ચૂક્યા છે અને ઘણા મંત્રાલયો તેમાં શિફ્ટ પણ થઈ ચૂક્યા છે.
નવા PMOને પહેલા એક્ઝિક્યુટિવ એન્ક્લેવ કહેવામાં આવતું હતું. જોકે, ડિસેમ્બરમાં, સરકારી સૂત્રોએ જાણકારી આપી હતી કે તેનું નામ બદલીને સેવા તીર્થ પરિસર રાખવામાં આવશે. તે જ સમયે, દેશભરના રાજભવનોનું નામ બદલીને લોકભવન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સેવા તીર્થની બાજુમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાનનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. આ પછી, પ્રધાનમંત્રી નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગથી શિફ્ટ થઈને સેવા તીર્થ થઈ જશે.
સેવા તીર્થમાં માનનીય મહેમાનોને મળવા માટે અત્યાધુનિક કક્ષ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાની ઝલક છે. કેબિનેટની બેઠક માટે પણ એક વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. નવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ મોટાભાગના અધિકારીઓ માટે ખુલ્લા ફ્લોર હશે, જેવા કર્તવ્ય ભવનોમાં છે. આવુ કામને સરળ બનાવવા અને સરકારની કાર્ય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવા માટે કરવામાં આવ્યું છે.
સ્વતંત્રતા પછીથી પ્રધાનમંત્રી કાર્યાલય સાઉથ બ્લોકમાં સ્થિત છે. આ જ બ્લોકમાં વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય પણ કાર્યરત રહ્યા છે. જ્યારે નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલય કાર્યરત હતા, તેમને હવે કર્તવ્ય ભવનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવેલા નોર્થ અને સાઉથ બ્લોકમાં ભારતનું મ્યુઝિયમ રાખવામાં આવશે.
નોર્થ બ્લોકમાં આ મ્યુઝિયમનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ એક વિશાળ અને વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય હશે, જે ભારતની 5,000 વર્ષની સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરશે. તેમાં 950 રૂમ હશે, જેમાં 8 વિભાગોમાં પ્રાચીન સિંધુ વેલી સંસ્કૃતિથી લઈને આધુનિક ભારત સુધીનો ઈતિહાસ દર્શાવવામાં આવશે, અને તેનો પહેલો વિભાગ 2027 સુધીમાં ખુલવાની અપેક્ષા છે. આ માટે ભારત અને ફ્રાન્સ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પણ આ પહેલનો એક ભાગ છે.
આ પણ વાંચો: ટેરિફ વોર વચ્ચે યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું ટ્રેડ ડિલને લઈને મહત્વનું અપડેટ, જાણો શું કહ્યું?












