ઈન્ડોનેશિયામાં ખુલશે IIM બેંગલુરુનું કેમ્પસ! PM મોદીની મુલાકાતમાં અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે શિક્ષણ, ટેક્નોલોજી, સંરક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ક્ષેત્ર સહિત અનેક મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે. આ મુલાકાતને બંને દેશોના સંબંધોમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાતોમાંથી એક એ હતી કે IIM, બેંગલુરુ ઈન્ડોનેશિયામાં પોતાનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે. આ કેમ્પસ દક્ષિણ-પૂર્વ એશિયાના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય મેનેજમેન્ટ શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
કયા ક્ષેત્રોમાં થયા કરારો?
બંને દેશોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સમુદ્રી સુરક્ષા, મહત્વના ખનિજો (Critical Minerals), સ્ટીલ સપ્લાય ચેઇન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સહયોગ વધારવા માટે કરારો કર્યા છે. ઉપરાંત UPI જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના સહયોગ પર પણ ચર્ચા થઈ હતી.
સંરક્ષણ ક્ષેત્રમાં પણ મોટી સફળતા
મુલાકાત દરમિયાન બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ અને અન્ય રક્ષણાત્મક ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારવા માટે પણ સમજૂતી થઈ છે, જેને ભારતના સંરક્ષણ નિકાસ માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સુવર્ણ અધ્યાય ગણાવી મુલાકાત
વડાપ્રધાન મોદીએ ભારત-ઈન્ડોનેશિયા સંબંધોને સુવર્ણ અધ્યાય ગણાવતા કહ્યું કે બંને દેશો લોકશાહી મૂલ્યો, વિકાસ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ માટે સાથે મળીને કામ કરશે. બંને દેશોએ વેપાર, રોકાણ અને ટેક્નોલોજી સહકારને વધુ મજબૂત બનાવવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો.












