અમેરિકામાં વિમાન દુર્ઘટના, સ્કાઈ ડાઈવિંગ માટે ગયેલા 12 લોકોના મોત

Plane crash in America: અમેરિકાના મિસૌરી રાજ્યમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક રવિવારે સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 11:30 વાગ્યે બની હતી. મૃતકો સ્કાઈ ડાઈવિંગ માટે આકાશમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનું વિમાન ક્રેશ થયું હતું.
માહિતી અનુસાર, પેસિફિક એરોસ્પેસનું P-750 સ્કાઈ ડાઈવિંગ પ્લેન ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું હતું. ત્યારબાદ વિમાન રસ્તા પાસે આવેલા ખાલી મેદાનમાં તૂટી પડ્યું અને જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા.
મિસૌરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઈવિંગે ઘટનાની પુષ્ટિ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં તમામ મુસાફરોના મોત થઈ ચૂક્યા હતા. બટલર પોલીસ વિભાગ અને બેટ્સ કાઉન્ટી શેરિફ ઓફિસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ વિમાન બટલર મેમોરિયલ એરપોર્ટ પરથી ઉડ્યું હતું, જે કેન્સસ સિટીથી લગભગ 65 માઈલ દક્ષિણમાં આવેલું એક પ્રાઈવેટ એરપોર્ટ છે. અહીંથી મુખ્યત્વે સ્કાઈ ડાઈવિંગ અને કૃષિ સંબંધિત ઉડાનો ચલાવવામાં આવે છે.
12 KILLED in Missouri plane crash pic.twitter.com/rZT1ipiHyz
— RT (@RT_com) June 14, 2026
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના રેકોર્ડ મુજબ, અકસ્માતગ્રસ્ત વિમાન 2010માં બનાવાયેલું સિંગલ એન્જિન ટર્બોપ્રોપ એરક્રાફ્ટ હતું, જે ખાસ કરીને સ્કાઈ ડાઈવિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. આ વિમાન 17 લોકોનો ભાર વહન કરી શકે છે.
બેટ્સ કાઉન્ટી આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના ડિરેક્ટર ડેનિસ જેકબ્સના જણાવ્યા અનુસાર, વિમાન ઉડાન ભર્યા બાદ ડાબી તરફ વળ્યું હતું, જેના કારણે ભારે પવનના દબાણથી તેની શક્તિ ઘટી ગઈ હતી. પાઈલટે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન વિમાન પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો. ત્યારબાદ વિમાન ઝડપથી નીચે પડ્યું અને જમીન સાથે અથડાતાં આગ લાગી ગઈ હતી.
હાલ સમગ્ર મામલાની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવશે. ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ મુસાફરે વિમાનમાંથી કૂદકો માર્યો હોવાના પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો : ફરી શરુ થયો NEETના નામે ખેલ, ટેલીગ્રામ પર આવ્યું અસલી પેપર, ચારની ધરપકડ












