ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત, અનેક ઘાયલ

Pakistan Bomb Blast: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મંગળવારે (12 મે, 2026) ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા અને 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ વધી શકે છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ફરી એકવાર આસીમ મુનીર અને શાહબાઝ શરીફ માટે પડકારજનક સ્થિતિ ઉભી થઈ છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર,ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં આવેલા એક બજારમાં ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયા છે, જેમાં ટ્રાફિક પોલીસના બે કર્મચારીઓ પણ સામેલ છે. ઉપરાંત 23 લોકો ઘાયલ થયા છે.

ધમાકા અંગે પોલીસે શું કહ્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, ભીડભાડવાળા બજારમાં ભીડભાડના સમયે વિસ્ફોટકોથી ભરેલી લોડર રિક્ષામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી તરત જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકો અને ઘાયલોને તબીબી સારવાર માટે નૌરંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે ઘણા ઘાયલોની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

વિસ્ફોટ બાદ તરત જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પુરાવા એકત્ર કરવા તેમજ તપાસ શરૂ કરવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસે જણાવ્યું કે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં મદદ કરવા અને ઘાયલો માટે રક્તદાન કરવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

પાકિસ્તાને બન્નૂ પોલીસ ચોકી બ્લાસ્ટ બાદ મોટું પગલું ભર્યું

સોમવારે (11 મે, 2026) ના રોજ, વિદેશ કાર્યાલયે અફઘાન ચાર્જ ડી’અફેર્સને બોલાવ્યા અને બન્નુમાં થયેલા આતંકવાદી હુમલા અંગે અફઘાન તાલિબાન શાસનને કડક વિરોધ નોંધાવ્યો. શનિવાર રાત્રેખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં આવેલી ફતેહ ખેલ પોલીસ ચોકીને નિશાન બનાવી કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 15 પોલીસકર્મીઓના મોત થયા હતા, જ્યારે એક નાગરિક સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.

વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાને 9 મે, 2026ના રોજ ફતેહ ખેલ પોલીસ ચોકી પર ફિત્ના-અલ-ખ્વારીજ સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલા અંગે કડક વિરોધ નોંધાવ્યો છે. નિવેદન મુજબ, અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવા, ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને વિગતવાર તપાસથી સંકેત મળે છે કે આ હુમલાની સાજિશ અફઘાનિસ્તાનમાં રહેલા આતંકવાદીઓએ રચી હતી.

પાકિસ્તાને અફઘાન જમીનનો સતત ઉપયોગ થતો હોવાની ગંભીર ચિંતા ફરી વ્યક્ત કરી અને જણાવ્યું કે અફઘાન પક્ષને જાણ કરવામાં આવી છે કે હુમલા માટે જવાબદાર લોકો સામે પાકિસ્તાનને કડક જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો: મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના વાદળો: ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને ‘કચરો’ ગણાવી ફગાવ્યો, યુદ્ધવિરામ વેન્ટિલેટર પર

Back to top button