સિંધુ જળ સંધિને લઈને પાકિસ્તાન ભડક્યું, રક્ષામંત્રીએ ભારતને આપી યુદ્ધની ધમકી

Pakistan flares up over Indus Water Treaty: સિંધુ જળ સંધિ મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો કડક અભિગમ ફરી સ્પષ્ટ કર્યા બાદ પાકિસ્તાનમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. પહેલા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, ત્યારે હવે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પણ યુદ્ધ જેવી ધમકી આપી છે.
પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત દરમિયાન ખ્વાજા આસિફે કહ્યું કે જો પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો લાગશે તો ભારત સામે યુદ્ધ શરૂ કરવાની કાર્યવાહી પર વિચાર કરવામાં આવશે. તેમણે પાણીના મુદ્દાને પણ રાષ્ટ્રીય સુરક્ષાનો ભાગ ગણાવ્યો હતો.
ભારત પર પાણી રોકવાનો આરોપ
ખ્વાજા આસિફે પાકિસ્તાનમાં ઊભા થયેલા પાણી સંકટ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ભારત પાણીનો “હથિયાર” તરીકે ઉપયોગ કરી રહ્યું છે અને ચિનાબ નદીના પ્રવાહ સાથે છેડછાડ કરી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જોકે, પોતાના નિવેદનમાં તેમણે સ્વીકાર્યું હતું કે છેલ્લા એક વર્ષના વિકાસક્રમ વિશે તેમની પાસે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી.
પાકિસ્તાનમાં વધી રહ્યું છે જળ સંકટ
સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ પાકિસ્તાનમાં પાણીની અછત વધુ ગંભીર બની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સિંધ અને બલૂચિસ્તાન વિસ્તારોમાં પાણી સંકટની અસર વધુ જોવા મળી રહી છે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે લીધો હતો મોટો નિર્ણય
ગયા વર્ષે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આ હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતા.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન તરફથી સરહદ પારના આતંકવાદ સામે વિશ્વસનીય અને કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી સંધિ ફરી શરૂ કરવામાં નહીં આવે.
આ મુદ્દે પાકિસ્તાન અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત સામે ફરિયાદ કરી ચૂક્યું છે, પરંતુ ભારત પોતાના વલણ પર અડગ છે.
આ પણ વાંચો : RILથી Tata Motors સુધી, આજે રોકાણકારોના ફોકસમાં આ સ્ટોક્સ












