દિવાળીએ સ્વિગી પર ઓર્ડર કર્યું મટર મશરૂમ, ડિલિવર થયું તંદૂરી ચિકન

પશ્ચિમ બંગાળ: 21 ઓક્ટોબર, 2025: પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ દિવાળીના શુભ અવસર પર સ્વિગી (Swiggy) દ્વારા શાકાહારી ભોજનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ ભૂલથી તેને નોન-વેજ વાનગી ડિલિવર કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી લિંક્ડઇન (LinkedIn) પર શેર થતાં તે પોસ્ટ વાઈરલ થઈ ગઈ છે.
સુમિત અગ્રવાલ નામના યુઝરે જણાવ્યું કે, તેણે સ્વિગી દ્વારા ‘રંગ દે બસંતી ઢાબા’માંથી મટર મશરૂમનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમના ઘરે તંદૂરી ચિકન ક્લાસિક ડિલિવર થયું હતું. અગ્રવાલે આ ઘટનાને તેના પરિવાર માટે ભાવનાત્મક આઘાત ગણાવ્યો છે.
ધાર્મિક આસ્થા, પવિત્રતા અને પરંપરાનું અપમાન
સુમિત અગ્રવાલે લખ્યું કે, પૂજા પછી શાકાહારી ભોજનની આશામાં જ્યારે ડબ્બો ખોલવામાં આવ્યો, ત્યારે તેમાં માંસ જોઈને ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. તેઓ આ ઘટનાને માત્ર એક ડિલિવરી ભૂલથી વધુ માની રહ્યા છે.
તેમણે કહ્યું, “ભોજન અમારા પરિવારની આસ્થા, પવિત્રતા અને પરંપરાઓનું પ્રતીક છે. હું સ્વીકારું છું કે ભૂલો થઈ શકે છે, પરંતુ કેટલીક ભૂલો ભાવનાત્મક અને સાંસ્કૃતિક સીમાઓનું ઉલ્લંઘન કરે છે, જે ઊંડી ઈજા પહોંચાડે છે. ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં ભોજન અને આસ્થા વ્યક્તિગત અને ઊંડો અર્થ ધરાવે છે, તેથી સાંસ્કૃતિક સંવેદનશીલતાનું સન્માન કરવું જરૂરી છે.’
સ્વિગીએ હજી સુધી જવાબ આપ્યો નથી:
અગ્રવાલે તેની પોસ્ટનો ઉદ્દેશ્ય નારાજગી વ્યક્ત કરવાનો નહીં, પરંતુ આ મુદ્દા પર જાગૃતિ ફેલાવવાનો ગણાવ્યો, જેથી અન્ય પરિવારોને આવી મુશ્કેલી ન વેઠવી પડે.
યુઝરે પોતાની પોસ્ટમાં સ્વિગી અને રેસ્ટોરન્ટ માટે સંદેશ છોડ્યો છે કે, “અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર આવી પરિસ્થિતિમાંથી ન પસાર થાય, કારણ કે પ્લેટમાં પીરસાયેલી વસ્તુઓ માત્ર સ્વાદથી પરે જઈને આસ્થા અને સન્માનને અસર કરે છે.” જોકે, સ્વિગીએ ૨૦ ઓક્ટોબરે સામે આવેલી આ વાઈરલ પોસ્ટ પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ દિવાળી વેચાણમાં રેકોર્ડ બ્રેક 6.05 લાખ કરોડ, સોના-ચાંદીમાંથી 60,500 કરોડનું યોગદાન
આ પણ વાંચોઃ ‘હું સચિન તેંદુલકર કરતા 5 હજાર રન વધુ બનાવત…’ પૂર્વ કાંગારૂ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો












