‘હું સચિન તેંદુલકર કરતા 5 હજાર રન વધુ બનાવત…’ પૂર્વ કાંગારૂ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ 21 ઓક્ટોબર, 2025: ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર માઇકલ હસીએ એક આશ્ચર્યજનક દાવો કર્યો છે. હસીનું કહેવું છે કે જો તેણે ઓસ્ટ્રેલિયા માટે નાની ઉંમરે રમવાનું શરૂ કર્યું હોત, તો તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કરતાં 5000 રન વધુ બનાવત. જોકે, પૂર્વ કાંગારૂ બેટ્સમેને આ વાત મજાકમાં કહી છે.
હસીએ 28 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ફેબ્રુઆરી 2004થી જાન્યુઆરી 2013 સુધી ઓસ્ટ્રેલિયા માટે રમ્યા હતા. તેણે પોતાની કારકિર્દીમાં 302 આંતરરાષ્ટ્રીય મેચોમાં 49.00ની સરેરાશથી 12,398 રન બનાવ્યા હતા, જેમાં 22 સદી અને 72 અર્ધસદીનો સમાવેશ થાય છે.
સચિન કરતા 5000 રન આગળ રહેત:
50 વર્ષીય હસીએ ‘ધ ગ્રેડ ક્રિકેટર’ યુટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન મજાકિયા અંદાજમાં કહ્યું: “મેં આ વિશે ઘણું વિચાર્યું છે. હું કદાચ સચિન તેંડુલકર, જે ગેમમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેના કરતાં લગભગ પાંચ હજાર રન આગળ રહ્યો હોત. સૌથી વધુ સદી, સૌથી વધુ જીત, સૌથી વધુ એશિઝ જીત અને સૌથી વધુ વર્લ્ડ કપ જીત, સંભવતઃ આ બધું જ… અને પછી કમનસીબે હું સવારે ઉઠું છું અને તે માત્ર એક સપનું નીકળે છે.”
હસીએ ઉમેર્યું કે તેમને વહેલી તક મળી હોત તો તે સારું હોત, પરંતુ તેમના માટે સારી બાબત એ હતી કે જ્યારે તેમને પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમને પોતાની રમતની ઉત્તમ સમજ હતી.
સચિન તેંડુલકરના રેકોર્ડ:
ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરને સર્વકાલીન મહાન બેટરોમાંથી એક ગણવામાં આવે છે. તેમણે 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 24 વર્ષની લાંબી કારકિર્દીમાં સચિનના નામે રેકોર્ડનો અંબાર છે. તેમણે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ 34,357 રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે અને તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. સચિનને ’ક્રિકેટના ભગવાન’ કહેવામાં આવે છે.
આ પણ વાંચો :અમદાવાદની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જાણો સમગ્ર કાર્યક્રમ
આ પણ વાંચો :રાષ્ટ્રપતિ ભવનની નજીક આગ લાગી, ફાયર બ્રિગેડના અનેક વાહનો હાજર












