‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની મોટી સફળતા, 852 મહિલાઓ સહિત 1,470 ગુમ વ્યક્તિઓને શોધી કાઢ્યા

Operation Milap Gujarat: ગુજરાત પોલીસે નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન “ઓપરેશન મિલાપ” ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત એક મહિનામાં પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે.
આ 1,470 વ્યક્તિઓમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં સુરત શહેર પોલીસ કમિશનરેટે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
વર્ષો જૂના ગુમ થવાના કેસોને ફરીથી ખોલવામાં આવ્યા
7 મેના રોજ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવેલા આ વિશેષ અભિયાન હેઠળ વર્ષો જૂના ગુમ થવાના કેસોને ફરીથી ખોલવામાં આવ્યા હતા. પોલીસ રેકોર્ડ મુજબ વર્ષ 2007થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 24,767 વ્યક્તિઓ ગુમ થયા હોવાનું નોંધાયું છે. ‘ઓપરેશન મિલાપ’માં આમાંથી ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલા કેસોનું નિરાકરણ થયું છે.
આ અભિયાન ટેકનિકલ સાધનો અને ખુફિયા માહિતીના આધારે ચલાવવામાં આવ્યું હતું. પોલીસ ટીમોએ જૂના કેસ રેકોર્ડની વિગતવાર સમીક્ષા કરી, ફિલ્ડ તપાસ હાથ ધરી, ડિજિટલ રેકોર્ડ, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ, જાહેર પરિવહન કેન્દ્રો અને આશ્રય ગૃહોની તપાસ કરી. ફરિયાદીઓ અને સાક્ષીઓ સાથે ફરી સંપર્ક કરીને નવા સૂત્રો મેળવવામાં આવ્યા હતા.
ગુજરાત CID ક્રાઇમ (મહિલા સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ જણાવ્યું કે, “આ સમગ્ર અભિયાન ટેકનિકલ અને ખુફિયા માહિતીના આધારે ચલાવવામાં આવ્યું હતું. તેમાં જૂના કેસોની વિગતવાર સમીક્ષા તથા ફિલ્ડ પર નવી ચકાસણીનો સમાવેશ થાય છે.”
ગુમ થવાના કેસોમાં સૌથી મોટો વર્ગ સગીર છોકરીઓનો
અભિયાન દરમિયાન મળેલા તારણો અનુસાર ગુમ થવાના કેસોમાં સૌથી મોટો વર્ગ સગીર છોકરીઓનો છે. ખાસ કરીને 14થી 17 વર્ષની વયની સગીર છોકરીઓમાં પ્રેમ સંબંધો, ઘરેથી ભાગી જવું, માતા-પિતાનો ઠપકો, અભ્યાસમાં નિષ્ફળતા અને ગૃહકલહ જેવા પારિવારિક કારણો મુખ્ય છે. ઉપરાંત રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂર પરિવારોના સભ્યોના ગુમ થવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.
આ અભિયાનમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોમાંથી પણ સફળતા મળી છે.
અધિકારીઓના નિવેદનો
ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકએ કહ્યું, “ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ મહિલા સુરક્ષા, બાળકોનું રક્ષણ, નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી, ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓને શોધવું અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત નાગરિક-કેન્દ્રિત પોલીસિંગ અભિગમ અપનાવી રહી છે. ‘ઓપરેશન મિલાપ’ આ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અભિયાનની સફળતાનો શ્રેય સઘન તપાસ, ગુપ્તચર માહિતી, મોબાઇલ ફોન વિશ્લેષણ, વિવિધ રાજ્યો વચ્ચે સંકલન અને પરિવારો સાથેના પરામર્શને જાય છે. આ પહેલ ગુજરાત પોલીસના સંવેદનશીલ અને જનકેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવે છે.
ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અભિયાન પૂર્ણ થયા બાદ પણ દરેક ગુમ વ્યક્તિના કેસના નિરાકરણ સુધી કામગીરી ચાલુ રહેશે. આ સફળતા પરિવારો માટે રાહતની વાત છે અને પોલીસની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ પણ વાંચો: સુરત બની રહ્યું છે ગુનાખોરીનું હદ : પાંડેસરામાં કૂટણખાનામાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃતિનો પર્દાફાશ












