‘પોતાના પાલતુ શ્વાનનો સૂપ બનાવીને પીઓ…’: ઉત્તર કોરિયામાં શા માટે બહાર પડાયો આ અજીબોગરીબ આદેશ?

North Korea dog meat soup heatwave order: ભીષણ ગરમી અને હીટવેવથી ઝઝૂમી રહેલા ઉત્તર કોરિયામાં લોકોને એક એવી સલાહ આપવામાં આવી રહી છે, જેને સાંભળીને સમગ્ર વિશ્વના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યાંના લોકોને કૂતરાના માંસમાંથી બનતો પરંપરાગત સૂપ પીવાની સલાહ આપવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૂપ શરીરને તાકાત આપે છે અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડે છે.
ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, હાલમાં કોરિયન દ્વીપકલ્પ ભીષણ ગરમીની લપેટમાં છે. ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. આવા સમયે ઉત્તર કોરિયાના સરકારી અખબાર ‘રોડોંગ સિનમુન’ (Rodong Sinmun) માં દેશના એક વરિષ્ઠ ડોક્ટરનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને પરંપરાગત ‘ડોગ સૂપ’ પીવાની સલાહ આપવામાં આવી હતી.
‘સ્વીટ મીટ સૂપ’ અને તેના દાવો કરાયેલા ફાયદા
અહેવાલ મુજબ, આ વાનગીને કોરિયન ભાષામાં ‘ડાંગોગી ગુક’ (Dangogi Guk) કહેવામાં આવે છે, જેનો અર્થ ‘સ્વીટ મીટ સૂપ’ (મીઠા માંસનો સૂપ) થાય છે. સરકારી અખબારમાં દાવો કરાયો છે કે આ સૂપ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને કાળઝાળ ગરમી દરમિયાન શરીરને ઊર્જા આપે છે. સાથે જ હીટ સ્ટ્રોક, હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઇપરથાઇરોઇડિઝમ જેવી બીમારીઓ સામે પણ ફાયદાકારક ગણાવાયો છે.
આ ઉપરાંત ઉત્તર કોરિયામાં એવી પણ માન્યતા છે કે આ સૂપ પુરુષોની શારીરિક ક્ષમતા અને ઇમ્યુનિટી વધારે છે. જોકે, વૈજ્ઞાનિક સમુદાય આ દાવાઓ સાથે સહમત નથી અને તેના સમર્થનમાં પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.
પાટનગર પ્યોંગયાંગમાં આ વાનગી માટે ખાસ રેસ્ટોરાં પણ આવેલી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આ વાનગી ખૂબ પસંદ કરે છે અને સરકારી ડિનર પાર્ટીઓમાં પણ તે પીરસવામાં આવે છે.
કેવી રીતે બનાવવામાં આવે છે આ સૂપ?
ઓનલાઈન ઉપલબ્ધ પરંપરાગત રેસિપી અનુસાર, આ સૂપમાં કૂતરાના માંસ સાથે લીલી ડુંગળી, કાંદા, પેરિલાના પાંદડા, સ્ટોક અને લાલ મરચાં જેવા મસાલા ઉમેરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ડેંડિલિયન અને ફુદીનો પણ ઉમેરાય છે. પહેલા માંસને ગ્રેવી અને સ્ટોક સાથે ઉકાળવામાં આવે છે, ત્યારબાદ શાકભાજી અને મસાલા ઉમેરીને ફરીથી રાંધી ગરમાગરમ પીરસવામાં આવે છે.
100 વર્ષની સૌથી ભીષણ ગરમી
આ સલાહ એવા સમયે સામે આવી છે જ્યારે સમગ્ર કોરિયન દ્વીપકલ્પ છેલ્લા 100 વર્ષની સૌથી ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ કોરિયાના યાંગસાન શહેરમાં તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જ્યારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં પણ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે.
આ પણ વાંચોઃ ફૂટબોલની હરીફાઈ રાજદ્વારી ટક્કરમાં ફેરવાઈ! બ્રાઝિલ-આર્જેન્ટિના વચ્ચે શાબ્દિક ટકરાવ, રાજદૂત પાછા બોલાવાયા
આ પણ વાંચોઃ બંધ મકાનમાં સૂટકેસમાંથી યુવતીનો સડી ગયેલો મૃતદેહ મળતા ચકચાર, ભાડૂઆત ફરાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












